હવે વીકેન્ડમાં સંઘપ્રદેશ દમણ-દીવના બીચ અને પર્યટન સ્થળો પણ તમામ માટે ખુલ્લા રહેશે. પરંતુ વોટર સ્પોર્ટ્સ હજુ બંધ રહેશે. આ ઉપરાંત શાળાઓ ધો.9 થી 12 વિદ્યાર્થીઓ માટે શરૂ કરવામાં આવી છે. જો કે, લગ્નમાં મહેમાનોની સંખ્યા હજુપણ 100 અને મરણપ્રસંગમાં 50 વ્યક્તિને જ મંજુરી યથાવત રાખવામાં આવી છે. સંઘપ્રદેશ દમણ અને દીવ પર્યટનસ્થળ હોવાથી પ્રવાસીઓનો ધસારો રહેતો હોય છે. જો કે, કોરોનાના કારણે સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા પર્યટનસ્થળોની સાથે દમણ-દીવના બીચ પર લોકોના ધસારાના કારણે કોરોના વકરે નહીં તે માટે પ્રતિબંધો મુકવામાં આવ્યા હતા.
પ્રશાસન દ્વારા કોરોનાના કેસોમાં ઘટાડો થતાં વીકેન્ડ સિવાયના દિવસોમાં બીચ ચાલુ રાખવામાં આવ્યા હતા. જો કે, ગઈકાલે પ્રશાસન દ્વારા કરવામાં આવેલા આદેશમાં હવે વીકેન્ડ એટલે કે શનિ-રવિના દિવસોમાં પણ પ્રદેશના તમામ બીચ તેમ જ બીચ રોડ લોકો માટે ખુલ્લા રહેશે. સાથે તમામ પર્યટનસ્થળોને પણ ખોલવાના આદેશ આપવામાં આવ્યો છે. પરંતુ વોટર સ્પોર્ટ્સ બંધ રહેશે.
પ્રશાસને કરેલા આદેશમાં જીમ, સ્પા, સ્વીમિંગ પુલ શરૃ કરવા તેમજ 5૦% ની ક્ષમતા સાથે થિયેટરો મલ્ટીપ્લેક્સ શરૂ કરી શકાશે તેમ જણાવાયું છે. આ ઉપરાંત અઠવાડિક બજાર તેમજ હાટ બજાર પણ ખુલ્લા રહેશે.
જો કે, જિલ્લા પ્રશાસને બજારના વેપારીઓ, દુકાનદારો તેમજ ભાગ લેનારાઓએ રસી લીધી છે કે, નહીં તેની ચકાસણી કરવાની રહેશે. શાળામાં 50%ની ક્ષમતા સાથે ધો.9 થી 12ના વિદ્યાર્થીઓ માટે વર્ગો શરૂ કરવામાં આવશે. જો કે, શાળા જવા માંગતા વિદ્યાર્થીઓના વાલીઓની મંજુરી મેળવવી અનિવાર્ય રહેશે. જો કે, નવા આદેશમાં લગ્નપ્રસંગમાં 1૦૦ મહેમાનો તેમજ મરણપ્રસંગમાં 5૦ વ્યક્તિઓની હાજરી જ રહેશે તેમ જણાવાયું છે.