દેશભરમાં છઠ્ઠ પૂજાના માહોલ વચ્ચે આસામના કરીમગંજમાં સર્જાયેલા એક અકસ્માતમાં છઠ્ઠ પૂજા કરીને પાછા ફરી રહેલા 10 લોકોના મોત થઈ ગયા છે. એક ઓટો રીક્ષા અને સિમેન્ટ ભરેલી ટ્રક વચ્ચે ટકકર થઈ હતી અને આ ઘટના ત્યારે બની હતી જ્યારે છઠ્ઠ પૂજા કરીને લોકો ગઈકાલે મધરાતે રીક્ષામાં બેસીને પાછા ફરી રહ્યા હતા.
મૃતકોની ઓળખ કરવાની કાર્યવાહી ચાલી રહી છે.મરનારા ચાના બગીચામાં કામ કરનારા લોકો હોવાનુ મનાય છે.જાણકારી પ્રમાણે ટ્રકની ઝડપ ઘણી વધારે હતી અને તેના કારણે રીક્ષાને જોરદાર ટ્કકર વાગી હતી.નવ લોકોના સ્થળ પર મોત થયા હતા અને એક વ્યક્તિએ હોસ્પિટલમાં જીવ ગુમાવ્યો હતો.મરનારામાં મોટાભાગના મહિલાઓ અને બાળકો છે.
નજરે જોનારાઓનુ કહેવુ છે કે, ડ્રાઈવર ખતરનાક રીતે ટ્રક ચલાવી રહ્યો હતો અને તે ટ્રકનુ નિયંત્રણ કરી શક્યો નહોતો અને ટ્રક રીક્ષા સાથે અથડાઈ હતી.ટ્રક ડ્રાઈવર સ્થળ પરથી ફરાર થઈ ગયો છે.