Mon. Oct 7th, 2024

ઉત્તર પ્રદેશ: ભાજપના નેતાઓ અને ખેડૂતો વચ્ચે ભુબકી હિંસા,આઠનાં મોત

ઉત્તર પ્રદેશ: લખીમપુર ખીરીમાં ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યના એક કાર્યક્રમ પહેલા ખેડૂતો અને ભાજપના નેતાઓની વચ્ચે હિંસક ઘર્ષણ થયું હતું. ભાજપના નેતાએ ખેડૂતો પર પોતાની એસયુવી કાર ચલાવી દીધી હતી.જેમાં ત્રણ ખેડૂતોના મોત નિપજ્યા હોવાનો આરોપ ખેડૂત સંગઠનોએ લગાવ્યો છે જ્યારે અનેક ખેડૂતો ઘવાયા હતા. આ ઘટના બાદ રોષે ભરાયેલા ખેડૂતોએ ભાજપના નેતાઓની કારો સહિતના વાહનોને આગ લગાવી દીધી હતી અને રોડ જામ કરી દીધો હતો.ખેડૂતો વિવિધ માગણીઓને લઇને ખેડૂત મંત્રીના વિરૂદ્ધમાં પ્રદર્શન કરી રહ્યા હતા, આ દરમિયાન  ભાજપનો કાફલો પસાર થવાનો હતો તે રોડ પર ઉભા રહી ગયા હતા અને ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યના કાફલાને કાળા વાવટા દેખાડયા હતા.

આ દરમિયાન જ ભાજપના નેતાઓ અને ખેડૂતો વચ્ચે હિંસક ઘર્ષણ થયું હતું. જેમાં  આઠ  લોકો માર્યા ગયા છે. 10 જેટલા ખેડૂતો ઘાયલ થઇ ગયા હતા અને માર્યા ગયેલામાં ત્રણ ખેડૂતો હોવાનો દાવો સંગઠનોએ કર્યો હતો. આ ઘટના બાદ રોષે ભરાયેલા ખેડૂતો બાદમાં વિફર્યા હતા. એડીજી એસએન સાબતે કહ્યું હતું કે અત્યાર સુધી ત્રણ ખેડૂતોના મોત નિપજ્યા છે.

ખેડૂત સંગઠનોનો દાવો છે કે ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં આંદોલન કરી રહેલા ખેડૂતો પર રાજ્ય કક્ષાના કેન્દ્રીય ગૃહ મંત્રી ટેનીના પુત્રએ કાર ચડાવી દીધી હતી. જેમાં ત્રણ ખેડૂતોના સૃથળ પર જ મોત નિપજ્યા હતા. આ ઘટના બાદ ખેડૂત નેતા રાકેશ ટીકૈત દિલ્હીના ગાઝીપુરથી ઉત્તર પ્રદેશ આવવા માટે રવાના થઇ ગયા હતા. આ મામલા પર પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે ટ્વિટર વડે આકરા પ્રહારો કર્યા હતા. લખીમપુર ખીરીના તિકુનિયામાં આયોજીત થનારા કુશ્તી કાર્યક્રમમાં ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય પહોંચે તે પહેલા અહીં કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતો કાળા વાવટા લઇને ઉભા રહી ગયા હતા. એવામાં જ્યારે ભાજપના નેતાઓનો કાફલો પસાર થયો ત્યારે ખેડૂતો અને નેતાઓ બન્ને આમને સામને આવી ગયા હતા.ભાજપના નેતાએ ખેડૂતો પર કાર ચલાવી દીધી હતી. જે દરમિયાન અનેક ખેડૂતો ઘવાયા હતા જ્યારે ત્રણના મોત નિપજ્યા હતા. જે વિસ્તારમાં આ ઘટના બની તે તિકુનિયામાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્ર ટેનીનું ગામ આવેલુ છે. હાલ ઘટના સૃથળે પોલીસનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે.

બીજી તરફ સ્વબચાવમાં કેન્દ્રીય મંત્રી અજય કુમાર મિશ્રાએ દાવો કર્યો હતો કે મારો પુત્ર ઘટના સમયે ત્યાં હાજર જ નહોતો અને તેનો વીડિયો તરીકે મારી પાસે પુરાવા પણ છે. જ્યારે જે લોકો માર્યા ગયા તેમાં ત્રણ ભાજપના કાર્યકર્તાઓ અને એક અમારા કાફલાના ડ્રાઇવરનો સમાવેશ થાય છે. આમ માર્યા ગયેલાઓમાં ખેડૂતો અને ભાજપ કાર્યકર્તા બન્ને હોવાનો દાવો સામસામે કરવામાં આવી રહ્યો છે.

ઉત્તર પ્રદેશમાં બે કાર નીચે ખેડૂતોને કચડી નાખવામાં આવ્યા હતા જેમાં ચાર ખેડૂતોના મોત નિપજ્યા હોવાનો આરોપ સંયુક્ત કિસાન મોરચાએ લગાવ્યો હતો. એવામાં સંયુક્ત કિસાન મોરચાએ દેશના દરેક જિલ્લા કલેક્ટરની ઓફિસની બહાર ધરણા પ્રદર્શનોની જાહેરાત કરી છે.સોમવારે ખેડૂતો આ ઘટનાના વિરોધમાં એકઠા થશે અને પ્રદર્શનો કરશે તેમ ખેડૂત નેતા યોગેન્દ્ર યાદવ અને દર્શન પાલે કહ્યું હતું.  ખેડૂતોએ સુપ્રીમ કોર્ટના વર્તમાન ન્યાયાધીશની દેખરેખ હેઠળ આ સમગ્ર ઘટનાની તપાસની માગણી પણ કરી છે.

Related Post

Verified by MonsterInsights