Wed. Sep 11th, 2024

એક મહિલા સાથે હતી 16 વર્ષની છોકરી, સ્ટાફે વિશ્વાસમાં લઈ વાત કરતાં તેણે જણાવી હચમચી જવાય તેવી એક વાત, બાળ સુરક્ષા સમિતિના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા

સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરાયેલી એક મહિલા સાથે આવેલી 16 વર્ષની છોકરીને શંકાસ્પદ હાલતમાં જોયા બાદ સ્ટાફ દ્વારા આ અંગે જિલ્લા બાળ સુરક્ષા સમિતિને જાણ કરાઈ હતી. છોકરીની કસ્ટડી લઈને જ્યારે તેની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે જે જણાવ્યું તે સાંભળી બાળ સુરક્ષા સમિતિના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.

16 વર્ષની આ છોકરીએ કબૂલ્યું હતું કે તે મૂળ બાંગ્લાદેશની છે. જોકે, તેને સારી નોકરી મળશે તેવી લાલચ આપીને તેને બોર્ડર ક્રોસ કરાઈને ભારતમાં લાવવામાં આવી હતી. અહીં આવ્યા બાદ તેને સૌ પહેલા મુંબઈ નજીકના નાલાસોપારા લઈ જવાઈ હતી, અને ત્યાં તેનો સોદો કરી દેવામાં આવ્યો હતો. છોકરી કંઈ સમજે તે પહેલા તો તેને દેહવેપારના ધંધામાં ધકેલી દેવાઈ હતી. અહીં પોતાનું કોઈ ના હોવાથી છોકરી પોતાની વ્યથા પણ કોઈને કહી શકે તેમ નહોતી

એક મહિલા આ છોકરીને દેહવેપાર માટે જુદી-જુદી જગ્યાએ લઈ જતી હતી. સૌ પહેલા તેને નાલાસોપારામાં રાખવામાં આવી હતી. ત્યારબાદ તેને અલગ-અલગ વિસ્તારોમાં લઈ જવાઈ હતી. ત્યારપછી છોકરીને વાપી લવાઈ હતી, અને અહીં તેની પાસે દેહવેપાર કરાવવામાં આવ્યો હતો. વાપી લાવ્યા પછી આ છોકરીને જયપુર તેમજ મુંબઈમાં પણ લઈ જવામાં આવી હતી.

આ દરમિયાન જે મહિલા છોકરી પાસેથી દેહવેપાર કરાવતી હતી તેની તબિયત લથડતા તે વલસાડની સિવિલ હોસ્પિટલમાં દાખલ થઈ હતી. તેની સાથે આ છોકરી પણ હોસ્પિટલમાં જ રહેતી હતી. જોકે, હોસ્પિટલના સ્ટાફને છોકરીનો વ્યવહાર શંકાસ્પદ લાગતા તેમણે તેની પૂછપરછ કરી હતી. ડરેલી છોકરીએ પોતે બાંગ્લાદેશથી આવી હોવાનું સ્ટાફને જણાવ્યું હતું, અને સાથે એ પણ કહ્યું હતું કે તેની પાસે અહીં જબરજસ્તી દેહવેપાર કરાવવામાં આવી રહ્યો છે.

છોકરીએ જે જણાવ્યું તે સાંભળી હોસ્પિટલનો સ્ટાફ ચોંકી ઉઠ્યો હતો. નિરાધાર છોકરીને આ ધંધામાંથી બહાર લાવવા માટે સિવિલના સ્ટાફ દ્વારા તાબડતોબ બાળ સુરક્ષા વિભાગનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેના દ્વારા છોકરીને પોતાની કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં છોકરીએ જણાવ્યું હતું કે, તે મૂળ ઢાંકાની વતની છે. ડિસેમ્બર મહિનામાં તેને બોર્ડર ક્રોસ કરીને ભારત લાવવામાં આવી હતી.

છોકરીએ એવી કબૂલાત પણ કરી હતી કે તેની સાથે બીજી પણ ત્રણ છોકરીઓને આ જ રીતે બાંગ્લાદેશમાંથી ભારત લાવવામાં આવી છે, અને તેમની સાથે પણ દેહવેપાર કરાવવામાં આવી રહ્યો છે. હાલ પોલીસની મદદ દ્વારા સગીરા સાથે આવેલી બીજી બે છોકરીઓ ક્યાં છે અને કેવી સ્થિતિમાં છે તેની વિગતો મેળવાઈ રહી છે, તેમજ તેમને પોતાના ઘરે પરત મોકલવા માટે પણ પ્રયાસ આદરવામાં આવ્યા છે.

Related Post

Verified by MonsterInsights