કેન્દ્ર સરકારે અનબ્રાન્ડેડ પેકેજડ ખાદ્યચીજોમાં પણ પાંચ ટકા જીએસટી લાદયો છે અને સોમવારથી તેનો અમલ શરૂ થવાનો છે તે પુર્વે વેપારીઓ જંગે ચડયા છે. અનાજ, કઠોળ, સ્ટેશનરી સહિત કરજાળમાં આવી રહેલા વેપારીઓ દ્વારા આવતીકાલે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. રાજકોટના માર્કેટયાર્ડ તથા અનાજ-કઠોળ વગેરે વેપારીઓ કાલના બંધમાં જોડાનાર છે.

ભારતીય ઉદ્યોગ વ્યાપાર મંડળ દ્વારા વિવિધ ચીજોમાં જીએસટી ઝીંકવાના નિર્ણયના વિરોધમાં આવતીકાલે દેશવ્યાપી બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું છે. દેશભરના 7300 માર્કેટયાર્ડ, 13000 દાળમીલો, 9600 ચોખામીલ, 8000 આટામીલ તથા 3 કરોડ જેટલા અનાજ-કઠોળ તથા અન્ય ચીજોના નાના વેપારીઓ હડતાળમાં જોડાવાના હોવાનો દાવો કરવામાં આવ્યો છે. રાજકોટ-સૌરાષ્ટ્રને લાગેવળગે છે ત્યાં સુધી માર્કેટયાર્ડ તથા અનાજ-કઠોળના હોલસેલ-રીટેઈલ વેપારીઓએ બંધના એલાનને સમર્થન આપવાનું જાહેર કર્યુ છે.

માર્કેટયાર્ડના જાણીતા વેપારી આગેવાન સુરેશ ચંદારાણાએ કહ્યું કે યાર્ડના વેપારીઓ આવતીકાલે બંધમાં જોડાવાના છે. હરરાજી સહિત તમામ કૃષિ જણસીઓમાં કામકાજ ખોરવાશે. રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રના તમામ માર્કેટયાર્ડ બંધ રહેવાના છે. પરાબજાર-દાણાપીઠ વગેરે વેપારી વિસ્તારોના વેપારીઓ બંધમાં જોડાવા વિશે સાંજ સુધીમાં નિર્ણય લેનાર હોવાના સંકેત છે. મોટાભાગના વેપારીઓનો મૂડ બંધ પાળીને સરકારના પગલાનો વિરોધ કરવાનો છે.આ મામલે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી.વૈષ્ણવનો સંપર્ક કરતા તેઓએ કહ્યું

કે તમામ વેપારધંધાને જીએસટી અસરકર્તા નથી એટલે વેપારી મહામંડળ સમર્થન આપી ન શકે છતાં કરજાળમાં આવતા વેપારીઓ વ્યક્તિગત સંગઠનના ધોરણે નિર્ણય લઈ શકે છે. વેપારીઓના કહેવા પ્રમાણે સોમવારથી કરજાળમાં આવતી ચીજો સીધી જ પાંચ ટકા મોંઘી થઈ જશે. ગ્રાહકો પર નાણાંકીય બોજો વધશે જયારે વેપારીઓને જીએસટી રીટર્ન ભરવા સહિતની ઝંઝટનો સામનો કરવો પડશે. તમામે તમામ વર્ગના લોકોને માથે બોજ પડવાનો છે તે સામે વિરોધ દર્શાવવા બંધનું એલાન અપાયુ છે. તમામ રાજયોના વેપારી સંગઠનો તરફથી ટેકો મળ્યો છે.

By Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page