ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીની અનિર્ણાયકતા વારંવાર છતી થઈ રહી છે. એક તરફ કોંગ્રેસ હાઈકમાન્ડ વિખવાદોને લઈ સટાસટ નિર્ણય લઈ રહી છે તો બીજી તરફ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતી 2 મનપાઓમાં વિપક્ષ નેતા કોને બનાવવા તે નિર્ણય નથી લઈ શકી.
અમદાવાદ અને જામનગરમાં મનપાની ચૂંટણીઓમાં શરમજનક હાર બાદ કોંગ્રેસ હજી સુધી વિપક્ષ નેતા અંગે નિર્ણય લઈ શકી નથી. કોંગ્રેસની અનિર્ણાયક્તાને કારણે આંતરિક વિવાદ દિવસેને દિવસે વકરી રહ્યો છે. અમદાવાદ મનપામાં વિપક્ષ નેતા બનાવા માટે કોર્પોરેટર્સમાં ખેંચતાણ ચાલી રહી છે તો શહેરના ધારાસભ્યો પોતાના માણસને વિપક્ષ નેતા પદ અપાવવા માટે દબાણ કરી રહ્યાં છે.
અમદાવાદ શહેર કોંગ્રેસમાં વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. કોંગ્રેસના 12 કોર્પોરેટરોએ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પત્ર લખતા જ કોંગ્રેસની નબળાઈ ફરી છતી થઈ છે. કોંગ્રેસમાંથી અમદાવાદ મહાનગરપાલિકામાં નેતા વિપક્ષના પ્રબળ દાવેદાર ગણાતા શહેઝાદ ખાન પઠાણના વિરોધમાં પત્ર લખી રજૂઆત પ્રદેશ પ્રમુખને કરવામાં આવી છે.
અમદાવાદમાંથી ચૂંટાયેલા કોંગ્રેસના 12 કોર્પોરેટર્સે પત્ર લખી શહેજાદ ખાન પઠાણ સામે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. એટલું જ નહીં આ 12 કોર્પોરેટર્સે પોતાનામાંથી એકને વિપક્ષનો નેતા બનાવવા માટે માગ કરાઈ છે. કોંગ્રેસ હજી સુધી અમદાવાદ મનપાના નેતા વિપક્ષની પસંદગી કરી શકી નથી. પરંતુ છેલ્લા 3 મહિનાથી કોંગ્રેસમાં નેતા વિપક્ષના પદ માટે વિખવાદ ચરમ સીમાએ ચાલી રહ્યો છે.
નેતા વિપક્ષના પદ માટે ખેંચતાણ પ્રદેશ કોંગ્રેસ માટે માથાનો દુઃખાવો સાબિત થઈ રહી છે. જો કોંગ્રેસ દ્વારા સમયસર નિર્ણય નહી લેવામાં આવે તો આંતરિક બળવાના એંધાણ વર્તાઈ રહ્યાં છે. બીજી તરફ કોંગ્રેસે વિપક્ષ નેતાની વરણી ન કરતા હવે નવી મુસીબત સામે આવી છે.
મનપા શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં AIMIMએ પણ ઉમેદવારી કરી છે. જો કોંગ્રેસ દ્વારા મનપા વિપક્ષ નેતા માટે નિર્ણય નહીં લે તો કોંગ્રેસના કેટલાક કોર્પોરેટર AIMIM તરફી મતદાન કરી શકે છે. મનપામાં નેતા વિપક્ષની પસંદગી પૂર્વે આગે ખાઈ પીછે કુવા જેવી સ્થિતિનું નિર્માણ ઉભુ થયું છે.
કોંગ્રેસ દ્વારા નિર્ણય કોઈ પણ લેવાય પણ નારાજગી અને બળવો બંને સ્થિતિ ઉભી થઈ શકે છે. કોંગ્રેસના જૂથવાદના પગલે જ હજી સુધી વિપક્ષ નેતાનું પદ ખાલી છે.