ગુજરાતના 24મા મુખ્યમંત્રી કોણ બનશે? મુળ રાજકોટના વિજય રૂપાણીએ રાજીનામું આપ્યા પછી રાજકોટથી જ બૂકી બજારમાં શોખથી સટ્ટો શરૂ થયો છે. ખાસ મેચ ન હોવાથી બૂકીઓએ 50000થી પાંચ લાખ રૂપિયા સુધીના ડબ્બાનો સટ્ટો રમવાનું, રમાડવાનું શરૂ કર્યું છે. કલાકોમાં નામ નક્કી થશે ત્યાં સુધીમાં લાખોનો સટ્ટો બૂક થવાની ધારણા વ્યક્ત થાય છે.
લાંબા સમયે અણધારી રાજકીય ઉથલપાથલથી અત્યારે નવરાશ અનુભવી રહેલી બૂકીબજારને સટ્ટો રમવાનું કારણ મળી ગયું છે. વિજયભાઈ રૂપાણીએ રાજીનામું આપતાં નવા મુખ્યમંત્રી કોણ હશે? તેનો સટ્ટો રમવા અને રમાડવા માટે બૂકીબજાર સક્રિય બની છે.
મુખ્યમંત્રીપદ માટે ચાર-પાંચ નામો ચાલે છે તે આૃથવા તો કોઈ નવું નામ આવે તેના ઉપર 50000થી લઈને પાંચ લાખ રૂપિયાના સટ્ટાનો ડબ્બો બૂક થઈ રહ્યો છે. કોઈપણ ખેલી નવા મુખ્યમંત્રી તરીકે જે નામ આપે અને સટ્ટો બૂક કરે તેટલી રકમની જ સીધી હાર કે જીતને ડબ્બો કહેવામાં આવે છે.
બૂકી બજારના સૂત્રો કહે છે કે, આગામી મુખ્યમંત્રી પટેલ હશે તે લગભગ નિશ્ચિત છે. કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયા ઉપરાંત નીતિનભાઈ પટેલ, ગોરધનભાઈ ઝડફિયાના નામે સપાટી ઉપર છે.
જો કે, પ્રફૂલ્લ પટેલ, પુરૂષોત્તમ રૂપાલા, સી.આર. પાટીલ, આર.સી. ફળદુ, પ્રદિપસિંહ જાડેજા, ઉત્તર ગુજરાતમાંથી શંકર ચૌધરી અને સાવ અણધાર્યું નામ આવવાની સંભાવનાએ ભીખુભાઈ દલસાણિયાના નામે બુકીંગ થઈ રહ્યાનું બૂકી બજાર કહે છે. ગણતરીના કલાકોની અનિશ્ચિતતા છે ત્યોર બૂકીબજાર તેમના રાજકીય સૂત્રોમાંથી સંભાવના તપાસીને ડબ્બાનો સટ્ટો બૂક કરી રહ્યાં છે.
જેમના નામ માત્ર ચર્ચામાં છે અને સંભાવના નથી તેવો સટ્ટો બૂક કરવા કોઈ આવે તો બૂકીઓ સીધો જ સટ્ટો બૂક કરીને રોકડ ગૂપચાવી જવા તત્પર બેઠી છે. બૂકી બજારના સૂત્રોનું કહેવું છે કે, રાજકીય ગરમી લાંબા સમયે આવી છે ત્યારે વિજય રૂપાણીના શહેર રાજકોટથી જ શોખથી જ સટ્ટો શરૂ થયો છે. છતાંય આ સટ્ટો લાખો રૂપિયાની ઉથલપાથલ કરી જશે તેમ જણાય છે.