જો કોઈ વસ્તુ ખાસ મૂલ્યવાન ન હોય તો આપણે તેને ધૂળ અથવા પથ્થર માનીએ છીએ. પરંતુ આમ કરવામાં સાવચેત રહો કારણ કે વિશ્વમાં એવા પત્થરો છે જેની કિંમત કરોડોમાં નોંધાયેલી છે. ફેબ્રુઆરી દરમિયાન બ્રિટનમાં ક્રેશ થયેલી એક ઉલ્કાના મૂલ્યનો અંદાજ 1 લાખ પાઉન્ડ અથવા એક કરોડ રૂપિયા છે. કારણ કે, સંશોધકોના મતે, તે ખૂબ જ દુર્લભ પ્રકારના ઉલ્કાના ભાગ છે.
આકાશમાં ઘૂમતી ઉલ્કાના ટુકડાઓ જમીન પર પડે છે. જો કે, ઘણી ખરી ઉલ્કાઓ ત્યારે જ બળી જાય છે જ્યારે તેઓ ધરતીના વાતાવરણમાં પ્રવેશ કરે છે. પરંતુ જો ઉલ્કાના ટુકડા પૃથ્વી પર પહોંચે છે, તો તે બેશક કિંમતી માનવામાં આવે છે. કારણ કે તેનો અભ્યાસ વિજ્ઞાનીઓ માટે મહત્વપૂર્ણ છે. સંશોધકોએ બ્રિટનના વિન્ચકોમ્બ વિસ્તારમાં ત્રાટકેલા ઉલ્કાપીંડને વિન્ચકોમ્બ મિટિયોરાઈટ નામ આપ્યું હતું.
વિવિધ પ્રકારના ઉલ્કાઓ હોય છે. સંશોધનકારોએ હવે ખુલાસો કર્યો છે કે આ એક અત્યંત દુર્લભ પ્રકારની ઉલ્કા છે. તે આશરે 4.6 અબજ વર્ષ જૂનો પથ્થરનો ટૂકડો છે અને તેમાં વિવિધ પ્રકારના તત્વો શામેલ છે, જેમાં કાર્બોનાસિઅસ કોન્ડરાઈટ શામેલ છે. આ તત્વો તેની કિંમતમાં વધારો કરે છે. બ્રિટનની ધરતી પર અત્યાર સુધીમાં પડેલા ટૂકડાઓમાં એ સૌથી મૂલ્યવાન છે.
આ પ્રકારના પથ્થરનો ઉપયોગ અવકાશમાં સ્પેસમાં બાંધકામમાં થઈ શકે છે. આ ઉલ્કાના ટુકડાને વિશ્વ વિખ્યાત નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમમાં આપી દેવાયો છે. ત્યાં તેનો અભ્યાસ અને જાળવણી કરવામાં આવશે.