Fri. Oct 11th, 2024

ગાંધીનગરના બેંક મેનેજરે સાપ પકડવા માટે નોકરીમાંથી રાજીનામું ધર્યું

World Environment Day 2021: 5 જૂને દુનિયાભરમાં વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવી છે. ત્યારે આજના દિવસ નિમિત્તે વાત કરીશું એક અનોખા જીવદયા પ્રેમી બેંક મેનેજર અને તેમના પરિવારની અને તેમણે કરેલાં અદભુત સેવા કાર્યની. ગાંધીનગરમાં સાપમાં સચિવાલય, મંત્રી નિવાસ, સરકારી કચેરીઓ અને રહેણાંક વિસ્તારમાં ક્યાંય પણ સાપ નીક્ળ્યો હોવાની ફરિયાદ મળે તો પ્રદીપભાઈ તુરંત ત્યાં પહોંચી જાય.

ગાંધીનગરમાં રહેતાં અને બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં બ્રાંચ મેનેજર તરીકે ફરજ બજાવતા 56 વર્ષના પ્રદીપભાઈ સોલંકીએ થોડા સમય પહેલાં જ બેંક મેનેજમેન્ટને પોતાનું સ્વૈચ્છિક રાજીનામું આપ્યું હતું. સેવા નિવૃત્ત થવાના 44 મહિના પહેલાં રાજીનામું આપવા માટે દર્શાવેલું કારણ આશ્ચર્યજનક હતું. રાજીનામાં પ્રદીપભાઈ લખ્યું હતુંકે, મારે માનવ વિસ્તારમાં આવી ચડતા સાપને પકડવા છે, સાપને બચાવવા છે, પક્ષીઓને બચાવવા છે. મારે આ અબોલા જીવની નિસ્વાર્થ સેવા કરવી છે જેથી મને નોકરીમાંથી ફરજ મુક્ત કરવા વિનંતી. જોકે, બેંક મેનેજમેન્ટે આ કર્મઠ અધિકારીનું રાજીનામું નામંજૂર કર્યું એટલે હવે ઓફીસના કામકાજનો સમય છોડીને પ્રદીપભાઈ એમની જીવદયાની
પ્રવૃત્તિ કરે છે.

અત્યાર સુધી 1600 સાપને પકડીને તેમને સુરક્ષિત સ્થળે છોડ્યા

ગાંધીનગરની ગ્રામીણ બેંકમાં બ્રાંચ મેનેજર તરીકે ફરજ બજાવતા પ્રદીપ સોલંકી અને તેમની દીકરી ધ્રુવા ગાંધીનગર વિસ્તારમાં નીકળી આવતા સાપોને પકડીને સુરક્ષિત સ્થાને પહોંચાડવાનું નિઃશુલ્ક અને નિઃસ્વાર્થ ભાવે કામ કરે છે. તેઓ અત્યાર સુધી 1600થી વધારે ઝેરી અને બિનઝેરી સાપને પકડીને તેનું રેસ્ક્યુ કરીને તેને સુરક્ષિત જંગલમાં છોડી આવ્યાં છે.

ગમે ત્યારે કોલ આવે પ્રદીપભાઈ સાપ પકડવા હોય છે હંમેશા તૈયાર

પ્રદીપભાઈ ભલે બેંકમાં મેનેજર તરીકે કામ કરતા હોય પણ તેમને કોઈપણ જગ્યાથી કોલ આવે કે ખબર પડે કે અહીં સાપ નીકળ્યો છે તો તેઓ એ જગ્યા પહોંચીને સાપને પકડીને સુરક્ષિત સાથે છોડી આવવાનું કામ કરે છે. ગાંધીનગર અને તેની આસપાસના વિસ્તારમાં સાપ દેખાયો હોવાનો ફોન આવે કે કોઈના ઘરે સાપ નીકળ્યો હોય તો પ્રદીપભાઈ ત્યાં સ્થળ પર પહોંચી ગભરાયેલાં લોકોને સમજાવે છે. અને ત્યાર બાદ સાપને પકડીને તેને સુરક્ષિત સ્થાને જંગલમાં છોડી આવે છે.

ગત વર્ષે પ્રદીપભાઈ ગાંધીનગરમાંથી પકડ્યા હતા 144 સાપ

ગત વર્ષની વાત કરવામાં આવે તો વર્ષ 2020માં પ્રદીપભાઈએ ગાંધીનગર આસપાસના અલગ અલગ સ્થાનોથી અંદાજે 144 જેટલા સાપને પકડીને તેનું રેસ્ક્યુ કરીને તેને સુરક્ષિત સ્થાને માનવ વિસ્તારથી દૂર જંગલમાં છોડ્યાં હતાં. પ્રદીપભાઈની વાત માનીએ તો આ સાપ પૈકી 75 જેટલાં સાપ તો અત્યંત ઝેરી હતાં. આ ઝેરી સાપમાં કોબરા, નાગ, ખડચિતરો અને કાળોતરા સાપનો સમાવેશ થાય છે.

પ્રદીપભાઈના પત્ની મનીષાબેેને કરી 1700 પક્ષીઓની સારવાર

પ્રદીપભાઈના પત્ની મનીષા જોશી પણ ઘાયલ પક્ષીઓની સારવાર કરી તેમને બચાવવાની અનોખી પ્રવૃત્તિ કરે છે. મનીષા બેને પણ અત્યાર સુધીમાં 1700 છેટલાં ઘાયલ પક્ષીઓની સારવાર કરીને તેમનો જીવ બચાવ્યો છે. જ્યારે પ્રદીપભાઈના પત્ની ક્યાંય પણ કોઈ પક્ષને ઘાયલ થયેલું જોવે તો તેને પોતાના ઘરે લઈને આવે છે અને તેને ખોરાક-પાણી આપીને તેની સારવાર કરે છે. અને જ્યાં સુધી આ પક્ષી ઠીક ન થઈ જાય ત્યાં સુધી પોતાના ઘરમાં રાખીને તેની સારસંભાળ લે છે. આવું જીવદયાનું કામ કરતા આ પરિવારની કામગીરીને ખરેખર સલામ કરવાનું મન થાય છે.

Sneck Catchers પિતા-પુત્રી ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડઝથી સન્માનિત થયા

ગાંધીનગરમાં સાપમાં સચિવાલય, મંત્રી નિવાસ, સરકારી કચેરીઓ અને રહેણાંક વિસ્તારમાં ક્યાંય પણ સાપ નીક્ળ્યો હોવાની ફરિયાદ મળે તો પ્રદીપભાઈ તુરંત ત્યાં પહોંચી જાય. ત્યારે પ્રદીપભાઈ તુરંત ડોંક, ચીપિયો, હેડલાઈટ, સ્ટીક, પાઈપ, લાકડી, ટોર્ચ, નેટ, બેગ સહિતનો પોતાનો સામાન લઈને ત્યાં સાપ પકડવા પહોંચી જાય છે. પ્રદીપભાઈની આ પ્રકારની જીવદયાની કામગીરીને સરકારે અને સ્થાનિક તંત્રએ પણ નોંધ લીધી છે. તેમની પ્રશંસા પણ કરી છે. આ સ્નેક કેચર પિતા-પુત્રી ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડઝથી સન્માનિત કરાયા છે.

પ્રદીપભાઈની પુત્રી પણ પિતાની સાથે જાય છે સાપ પકડવા

પિતા પાસેથી પ્રેરણા લઈને પ્રદીપભાઈની દીકરી ધ્રુવા પણ હવે આ રીતે સાપ પકડીને તેનું રેસ્ક્યુ કરીને તેને સુરક્ષિત સ્થળે પહોંચાડવાનું જીવદયાનું કાર્ય કરે છે. પ્રદીપભાઈ અને તેમના પરિવારે અનેક વૃક્ષોનું પણ જતન કર્યું છે. તેઓ અવારનવાર વૃક્ષારોપણની કામગીરીમાં પણ સહભાગી થતાં જોવા મળે છે. આમ, તેમને કુદરત, કુદરતની પ્રકૃતિ તેમજ જીવસૃષ્ટિ પ્રત્યે ખુબ જ લગાવ છે.

Related Post

Verified by MonsterInsights