ગાંધીનગર : કલોલ પૂર્વ વિસ્તારમાં આવેલા જે. પી.ની લાટીના છાપરામાં દૂષિત પાણીને પગલે રોગચાળો ફાટી નીકળ્યો છે. 100 જેટલાં ઘરોમાં દરેકના ઘરમાં એક-બે વ્યક્તિ આ ઝાડાં-ઊલ્ટી સહિતની બીમારીઓમાં સપડાઈ ગયા છે. છેલ્લા 15 દિવસથી અહીં દૂષિત પાણી આવી રહ્યું છે.
જે અંગે તંત્રનું ધ્યાન દોરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી, જેના કારણે ઘરે ઘરે બિમારીના ખાટલા જોવા મળે છે, જેમાં બે બાળકો સહિત ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો છે. સ્થાનિકોએ ત્રણેય મોત માટે તંત્રને જવાબદાર ઠેરવ્યા છે. ખૂબ જ દુર્ગંધ મારતું તેમજ દૂષિત પાણી આવતું હોવા અંગે સ્થાનિકોએ તંત્રને જણાવ્યું હતું.