ગાંધીનગર:ભાજપ મુખ્યાલય કમલમ ખાતે બપોરે ત્રણ વાગ્યો બોલાવાયેલી ધારાસભ્ય દળની બેઠકમાં તમામ ધારાસભ્યોને બેઠકમાં હાજર રહેવા સૂચના અપાઈ હતી. ભાજપ હાઈકમાન્ડ દ્વારા મોકલવામાં આવેલા નીરિક્ષકો નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશીએ નીતિન પટેલના નામની જાહેરાત કરી હતી. બેઠકમાં ઉપસ્થિતી તમામ ધારાસભ્યોએ ભૂપેન્દ્ર પટેલના નામને વધાવી લેતાં સર્વાનમુતે ભૂપેન્દ્ર પટેલની ભાજપ વિધાનસભા પક્ષના નેતાપદે નિમણૂક કરાઈ હતી.
ભાજપના નેતાઓ આવતી કાલે સોમવારે રાજ્યપાલ આચાર્ય દેબબ્રત પાસેથી સમય માંગીને સરકાર રચવાનો દાવો કરે તેવી શક્યતા છે. ભાજપના રાષ્ટ્રીય સંગઠન મંત્રી બી. એલ. સંતોષ, ગુજરાત ભાજપ ના પ્રદેશ મહામંત્રી રત્નાકર, ગુજરાત ભાજપના પ્રભારી ભુપેન્દ્ર યાદવ ઉપરાંત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ સહિતના નેતા રાજ્યપાલ સમક્ષ દાવો કરવા માટે જશે એવો ભાજપનાં સૂત્રોનો દાવો છે.
ગુજરાતમાં ભાજપે દિગ્ગજ પાટીદાર નેતા અને ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલને નવા મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય લીધો છે. શનિવારે મુખ્યમંત્રીપદેથી વિજય રૂપાણીના રાજીનામા પછી ભાજપ કોને મુખ્યમંત્રી બનાવશે તેની અટકળો ચાલતી હતી. લગભગ 24 કલાકના સસ્પેન્સ પછી ભાજપે અંતે રૂપાણીના અનુગામી તરીકે ભૂપેન્દ્ર પટેલની પસંદગી કરી છે.
ભાજપ હાઈકમાન્ડ દ્વારા મોકલવામાં આવેલા નીરિક્ષકો નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશીની હાજરીમાં ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાતમાં સવા વરસ પછી એટલે કે 2022ના નવેમ્બર-ડીસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તેના કારણે ભાજપે પાટીદારને મુખ્યમંત્રી બનાવ્યા હોવાની છાપ પડી છે.
આ પહેલાં વિજય રૂપાણીના રાજીનામા પછી કોને મુખ્યમંત્રી બનાવવા તે અંગે ભાજપમાં લાંબી ચર્ચા ચાલી હતી. ભાજપ હાઈકમાન્ડ દ્વારા મોકલવામાં આવેલા નીરિક્ષકો નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશીએ ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચા કરીને તેમનાં મંતવ્ય લીધાં હતાં. હાઈકમાન્ડે મોકલેલાં નામો અંગે પણ જાણ કરાઈ હતી અને તેના આધારે ધારાસભ્ય દળની બેઠકમાં કોના નામની દરખાસ્ત મૂકવી તેની સૂચના અપાઈ હતી.