Thu. Sep 19th, 2024

ગુજરાતના 21 તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો

ગુજરાત રાજ્યમાં ચોમાસાના આગમન પહેલાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે રાજ્યમાં ગઈકાલથી વરસાદ પડ્યો હતો. ગઈકાલે રાજ્યના દક્ષિણ ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાતના અનેક તાલુકામાં 1 એમ.એમ.થી લઈને 28 એમ.એમ. સુધીનો વરસાદ સ્ટેટ ઇમર્જન્સી કંટ્રોલ રૂમમાં નોંધાયો હતો. રાજ્યના કુલ 21 તાલુકામાં આ વરસાદ નોંધાવા પામ્યો છે.

હવામાન વિભાગ દ્વારા ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી હતી જેના ભાગરૂપે રાજ્યમાં ગઈકાલે પડેલા વરસાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજા પધાર્યા હતા. સૌથી વધુ વરસાદ ગાંધીનગરના કલોલમાં 28 એમ.એમ. નોંધાયો હતો જ્યારે સૌથી ઓછો વરસાદ સુરેન્દ્રનગરના લીંબડી અને દાહોદના ધનપુરમાં એક-એક એમ.એમ. નોંધાયો હતો.

હવામાન વિભાગ દ્વારા હજુ આગામી ચાર દિવસ સુધી રાજ્યના દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વરસાદ પ્રિ-મોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસશે જ્યારે રાજ્યમાં ચોમાસાનું સત્તાવાર આગમન 20 જુન પછી થાય તેવી વકી છે.

Related Post

Verified by MonsterInsights