કોરોનાની સ્થિતિ પર નજર કરી લઈ તો લાગે છે કે રાજ્યમાં કોરોનાના વળતા પાણી થઇ રહ્યા છે. પાછલા 24 કલાકમાં નવા 17 કેસ નોંધાયા છે. તો મૃત્યુઆંક શૂન્ય નોંધાયો. રાજ્યમાં હવે માત્ર 179 એક્ટિવ કેસ છે.જ્યારે 6 દર્દીઓ વેન્ટિલેટર પર છે.સૌથી રાહતની વાત એ છે કે 27 જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ સામે નથી આવ્યો અને 4 મનપામાં એક પણ કેસ નથી નોંધાયો. મહાનગરની વાત કરીએ તો અમદાવાદમાં 5 કેસ, સુરત અને વડોદરામાં 4-4 કેસ નવા આવ્યા છે. જ્યારે રાજકોટમાં કોરોનાનો 1 નવો કેસ સામે આવ્યો છે.
રાજ્યમાં રસીકરણની જો વાત કરીએ તો પાછલા 24 કલાકમાં રાજ્યમાં 5.92 લાખ લોકોનું રસીકરણ કરાયું. રાજ્યમાં સૌથી વધુ સુરતમાં 50 હજાર 925 લોકોને રસી અપાઇ. તો અમદાવાદમાં 35 હજાર 290 લોકોનું રસીકરણ કરાયું.આ તરફ વડોદરામાં 7 હજાર 907 લોકોને રસી અપાઇ. જ્યારે રાજકોટમાં 11 હજાર 130 લોકોનું રસીકરણ કરાયું. આમ રાજ્યમાં કુલ 4 કરોડ 12 લાખ 31 હજાર 618 લોકોનું રસીકરણ પૂર્ણ થયું છે.કોરોના સામેના જંગમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે. વૅક્સીનના બંને ડોઝ લેનારાની સંખ્યા 1 કરોડને પાર થઈ ગઈ છે જ્યારે કુલ 4 કરોડ 12 લાખ 31 હજાર 618 લોકોને રસી અપાઈ ચૂકી છે. આ રીતે ગુજરાતની લગભગ 60 ટકા વસતી વૅક્સીનેશન હેઠળ આવી ગઈ છે.
કુલ 19.66 લાખ હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કરને પ્રથમ ડોઝ અપાઈ ચૂક્યો છે. તેવી જ રીતે 15.88 લાખ લોકોને બંને ડોઝ અપાઈ ચૂક્યા છે. 45 વર્ષથી વધુ વયના 1.37 કરોડ લોકોને પ્રથમ ડોઝ જ્યારે 72.84 લાખને બીજો ડોઝ અપાઈ ચૂક્યો છે. 18થી 45 વયજૂથના 1.55 કરોડને પ્રથમ જ્યારે 11.18 લાખને બંને ડોઝ અપાઈ ચૂક્યા છે.
ગુજરાત પર મિલિયન વેક્સિનેશનમાં દેશમાં મોટા રાજ્યોમાં અગ્રેસર છે. મુખ્યપ્રધાને રાજ્યના આરોગ્ય કર્મીઓને આ વ્યાપક રસીકરણ દ્વારા વધુને વધુ નાગરિકોને કોરોના વેક્સિનેશન અભિયાનમાં આવરી લેવાની કર્તવ્ય નિષ્ઠા માટે અભિનંદન પાઠવ્યા છે.
ગત 16મી જાન્યુઆરીથી શરૂ થયેલા રસીકરણ અભિયાનમાં 7થી 13 ઑગસ્ટના અઠવાડિયામાં સૌથી વધુ 35.39 લાખ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જેમાં 26.68 લાખને પહેલો ડોઝ અને 8.71 લાખને બન્ને ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ 2.16 કરોડ પુરૂષો જ્યારે 1.80 કરોડ મહિલાઓનું રસીકરણ કરાયું છે.
દેશની વાત કરીએ તો એક દિવસની રાહત બાદ દેશમાં ફરી કોરોનાના કેસ વધ્યાં છે. દેશમાં કોરોનાના નવા 35 હજાર 197 કેસ પોઝિટિવ નોંધાયા છે. એક દિવસમાં 440 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે.