અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં રસ્તા ઉપરથી ઈંડા-નોનવેજની લારી હટાવવાનો મામલો ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો છે. ત્યારે આજે ગુજરાત હાઈકોર્ટે AMC ના અધિકારીઓની ઝાટકણી કાઢી હતી. હાઈકોર્ટે કહ્યુ કે, શું તમે નક્કી કરશો કે બહાર મારે શું ખાવાનું છે? સત્તામાં બેઠેલા લોકો નક્કી કરશે કે લોકોએ શું ખાવું? તમે લોકોની ઈચ્છાની ચીજ ખાવાથી કઈ રીતે રોકી શકો?
હાઈકોર્ટે એએમસીના અધિકારીઓની ઝાટકણી કાઢી
અમદાવાદમાં રસ્તા પર ઇંડા-નોનવેજની લારીઓના મામલે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી અરજી પર સુનવણી હાથ ધરવામાં આવી હતી. અરજદારે રજુઆત કરી હતી કે, AMCએ લારીઓ લગાવેલો પ્રતિબંધ હટાવવામાં આવે. ત્યારે ગુજરાત હાઇકોર્ટે AMCના અધિકારીઓની આ મુદ્દે ઝાટકણી કાઢી હતી. હાઈકોર્ટે કડક વલણ અપનાવીને અધિકારીઓને સવાલ કર્યા હતા કે, તમે લોકોને પોતાની ઇચ્છાની ચીજ ખાવાથી કેવી રીતે રોકી શકો? શું કોઇ હોદ્દેદારોના કહેવાથી આ નિર્ણય લેવામાં આવ્યો? શું કાલે તમે નક્કી કરશો કે બહાર મારે શું ખાવું છે? શું સત્તામાં બેઠેલા લોકો નક્કી કરશે કે લોકોએ શું ખાવું જોઇએ.
ઉલ્લેખનીય છે કે, 20 જેટલા અરજદારોએ ગુજરાત હાઇકોર્ટમાં નોનવેજની લારીઓ હટાવવા મામલે દાદ માંગતી અરજી કરી હતી. અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, આ બંધારણના મૂળભૂત અધિકાર માં ઉલ્લેખિત અનુચ્છેદ-14નો ભંગ છે અને આ નિર્ણય મનસ્વી રીતે લેવામાં આવ્યો છે.