અમદાવાદઃ ગુરુવારે રાજ્યમાં વાતાવરણમાં એકાએક પલટો આવતાં અનેક વિસ્તારોમાં કમોસમી માવઠું પડ્યું હતું. જેના કારણે ગુરુવારે રાત્રે 8 વાગ્યા સુધીમાં 106 તાલુકામાં 1 એમએમથી લઇને 3 ઇંચ સુધીનો કમોસમી વરસાદ નોંધાયો હતો. કમોસમી માવઠા અને વાદળછાયા વાતાવરણને કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ઠંડીમાં વધારો થયો હતો. 20 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો.
નર્મદા જિલ્લાના તિલકવાડામાં બપોરે 2 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીના માત્ર 4 કલાકમાં 3 ઇંચ કમોસમી વરસાદ પડ્યો હતો. સાબરકાંઠાના ઇડરમાં પોણા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો જ્યારે વડાલીમાં અઢી ઇંચ વરસાદ પડ્યો હતો. મહેસાણાના ખેરાલુ અને સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. સતલાસણા અને પોસીનામાં પોણા બે ઇંચ જેટલો કમોસમી વરાદ નોંધાયો હતો. બેચરાજી, ચાણસ્મા, હારીજ, કાંકરેજ, વડનગર, વાપી, બારડોલી, ઉંઝા, નાંદોદ, સંતરામપુર, રાધનપુર, વિજયનગર, પોસીના, બોડેલી, સિદ્ધપુર, ડાંગ, છોટાઉદેપુરમાં એક ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો હતો.
કમોસમી માવઠાને કારણે ખેતરમાં ઉભા પાક કપાસ અને જીરૂને નુકસાન થયું છે. લણણી માટે તૈયાર મગફળી, ડાંગર, સોયાબીન સહિતના કઠોળ પાકોને નુકસાન થયું છે. એપીએમસી માર્કેટમાં વેચાણ માટે આવેલો માલ પલળી જવાના બનાવ બન્યા છે. સાતથી આઠ એપીએમસીમાં વરસાદને કારણે ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ કરવી પડી હતી.