લદ્દાખમાં ભારત સાથે સંઘર્ષ વચ્ચે ચીન શિનજિંયાંગના લોપ નૂરમાં ઝડપથી એક સીક્રેટ એરબેઝ વિકસાવી રહ્યું છે. આ એરબેઝ સંબંધિત માહિતી એટલી ગુપ્ત છે કે તેને ચીનનું ‘એરિયા-૫૧’ નામ અપાયું છે. આ રહસ્યમય એરબેઝ ભારતના લેહ એરબેઝથી માત્ર ૧૩૦૦ કિ.મી. દૂર છે. તાજેતરમાં જ કોમર્શિયલ સેટેલાઈટ તસવીરોએ ચીન અત્યંત ઝડપથી આ એરબેઝનું વિસ્તરણ કરી રહ્યું હોવાનો ઘટસ્ફોટ કર્યો છે. ચીન ૨૦૧૬થી આ એરબેઝ વિકસાવી રહ્યું છે. ચીને ૨૦૨૦માં તેનું ટોપ સીક્રેટ સ્પેસ પ્લેન અહીં ઉતાર્યું હતું.

નિષ્ણાતોનું માનવું છે કે ચીન આ એરબેઝથી મિલિટરી સ્પેસ એક્ટિવિટી વધારવાનું આયોજન કરી રહ્યું છે. ચીન હવે અમેરિકા સામે સ્પેસ વોર માટે સ્પર્ધાની તૈયારી કરી રહ્યું હોવાનું પણ મનાય છે. અમેરિકાની એનજીઓ મીડિયા ઓર્ગેનાઈઝેશન એનપીઆરે મેક્સાર ટેક્નોલજીની સેટેલાઈટ તસવીરોના આધારે ચીનના આ સીક્રેટ એરબેઝ સંબંધિત માહિતીઓ શૅર કરી છે. આ તસવીરો પરથી જણાય છે કે ચીને વર્ષોથી વેરાન પડેલા આ એરબેઝને ફરીથી વિકસાવવાનું કામ શરૂ કર્યું છે. મોટા જહાજ અને સ્પેસશિપને સરળતાથી લેન્ડ કરી શકાય તેમ માટે આ બેઝની હવાઈ પટ્ટીને ૪.૮ કિ.મી. સુધી લાંબી કરાઈ છે.

લોપ નૂરની આ એરસ્ટ્રીપ પાસે કોંક્રિટની એક ડઝનથી વધુ ઈમારતો પણ બનતી જોવા મળી રહી છે. અત્યાર સુધી આ સીક્રેટ એરબેઝ પર મકાન અને અન્ય સુવિધાઓ નહોતી. લોપ નૂર ચીનનું જૂનું પરમાણુ પરીક્ષણ સ્થળ છે. ૨૦૨૦માં અનેક ઓબ્ઝર્વર્સે દાવો કર્યો હતો કે ચીને એક હાઈલી ક્લાસીફાઈડ સ્પેસ પ્લેનનું આ એરબેઝ પર ઉતરાણ કર્યું હતું. જોકે, ચીનનું આ સ્પેસ પ્લેન કેવું દેખાય છે તે કોઈ જાણતું નથી. કાર્નેગી એન્ડોમેન્ટ ફોર ઈન્ટરનેશનલ પીસના એક વરિષ્ઠ નિષ્ણાત અંકિત પાંડાએ જણાવ્યું કે મને લાગે છે કે આ ચીનની મિલિટરી સ્પેસ એક્ટિવિટી માટે એક મહત્વપૂર્ણ બેઝ છે, જેને ચીન હવે ઝડપથી વિકસાવી રહ્યું છે. સેન્ટર ફોર એસ્ટ્રોફિઝિક્સ હાર્વર્ડ અને સ્મિથસોનિયનના એક ખગોળશાસ્ત્રી જોનાથન મેકડોવેલે જણાવ્યું હતું કે આ એર સ્ટ્રીપ અવકાશમાં માણસોને મોકલવા માટે ઘણી મોટી છે.

ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ચીની અવકાશ વિમાનના ઉતરાણ સિવાય આ રન-વે પર કોઈ ખાસ એક્ટિવિટી જોવા મળી નથી. આ એરબેઝના એક છેડા પર કેટલાક મોડયુલર ટ્રેલર જોવા મળી રહ્યા છે. આ ટ્રેલર ચીની એરફોર્સના કર્મચારીઓ માટેના કામચલાઉ આવાસ હોવાની શક્યતા છે. પરંતુ હવે એરબેઝ પર પ્રવૃત્તિઓ વધી રહી છે અને ચીન અહીં કંઈક મોટું કરવાની તૈયારીમાં હોવાનું મનાય છે.

એરિયા-૫૧ શું છે?

અમેરિકાનો એક ગુપ્ત વિસ્તાર ‘એરિયા-૫૧’ હકીકતમાં કહેવામાં આવે છે. એક માન્યતા મુજબ અમેરિકન સરકારે આ વિસ્તારમાં એલિયન્સ છુપાવી રાખ્યા છે. તેની હકીકત કોઈ જાણતું નથી. પરંતુ શરૂઆતમાં તો અમેરિકન સરકારે ‘એરિયા-૫૧’ જેવો કોઈ વિસ્તાર હોવાનો જ ઈનકાર કરી દીધો હતો, પરંતુ પાછળથી તેનો સ્વીકાર કર્યો હતો. અન્ય એક માન્યતા મુજબ અહીં ઉડતી રકાબીનું પરીક્ષણ કરાયું હતું. અમેરિકાની સરકારે ‘એરિયા-૫૧’ વિસ્તારમાં સામાન્ય માણસના જવા પર પ્રતિબંધ મૂકેલો છે.

ભારતની સરહદ નજીક ચીનના એક્ટિવ એરબેઝ

એરબેઝ સમુદ્રસપાટીથી ઉંચાઈ તૈનાત વિમાન

કાસી એરબેઝ ૪૫૨૯ ફૂટ જે-૧૧, જેએચ-૭, યુએવી

તાસ્કુરગન એરબેઝ ૧૦૬૩૩ ફૂટ બાંધકામ હેઠળ

હોટાન એરબેઝ ૪૬૭૨ ફૂટ જે-૧૧, જે-૮, જે-૭, એવોક્સ, યુએવી

સેતુલા હેલીપેડ ૧૨૦૧૭ ફૂટ માહિતી નથી

તેનસુહાઈ હેલીપેડ ૧૪૯૮૦ ફૂટ બાંધકામ હેઠળ

રુતાંગ કાઉન્ટી હેલીપેડ ૧૪૮૮૧ ફૂટ બાંધકામ હેઠળ

શિક્વાન્હે હેલીપેડ ૧૪૦૬૪ ફૂટ માહિતી નથી

નગારી એરબેઝ ૧૪૦૨૨ ફૂટ જે-૧૧, યુએવી

By Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights