Thu. Jan 23rd, 2025

જમ્મુ-કાશ્મીર: શોપિયાંમાં લશ્કરના ટોપ કમાન્ડર સહિત 2 આતંકવાદી ઠાર

દક્ષિણી કાશ્મીરના શોપિયાં ખાતે અથડામણ દરમિયાન 2 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. કાશ્મીરના આઈજીપી વિજય કુમારના કહેવા પ્રમાણે માર્યા ગયેલા આતંકવાદીઓમાં લશ્કરના ટોપ કમાન્ડર ઈશફાક ડાર ઉર્ફે અબૂ અકરમનો પણ સમાવેશ થાય છે. અકરમ છેલ્લા 4 વર્ષથી કાશ્મીર ઘાટીમાં સક્રિય હતો.

આ અથડામણની શરૂઆત રવિવારે થઈ હતી અને લશ્કરના એક ટોપ કમાન્ડર સહિત 2 આતંકવાદીઓ ઘેરાયા હોવાનું જણાવવામાં આવ્યું હતું. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો જેથી આતંકવાદીઓ અંધારાનો ફાયદો ઉઠાવીને ભાગી ન જાય.

પોલીસના કહેવા પ્રમાણે જિલ્લાના ચક એ સાદિક ખાન વિસ્તારમાં આતંકવાદીઓની મૂવમેન્ટ બાદ વિસ્તારની ઘેરાબંદી કરવામાં આવી હતી. શરૂઆતમાં આતંકવાદીઓનો સંપર્ક ન થઈ શક્યો એટલે ઘરે-ઘરે તલાશી કરવામાં આવી હતી. આ કારણે સંતાયેલા આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. સુરક્ષા દળોએ પહેલા તો તેમને સમર્પણ માટે કહ્યું હતું પરંતુ તેઓ ફાયરિંગ કરતા રહ્યા હતા.

આ બધા વચ્ચે તેમણે સુરક્ષા કોર્ડન તોડીને ફાયરિંગ કરતા કરતા ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. તેમને રોકવા માટેની જવાબી કાર્યવાહીના લીધે અથડામણ શરૂ થઈ હતી અને થોડા સમયમાં જ 2 આતંકવાદીઓ સુરક્ષા દળોની ગોળીઓના નિશાન બન્યા હતા. તેમાં લશ્કરના ટોપ કમાન્ડર અકરમનો પણ સમાવેશ થતો હતો. કાશ્મીરના આઈજીપી વિજય કુમારે મોડી રાતે આની પૃષ્ટિ કરી હતી.

Related Post

Verified by MonsterInsights