Sun. Oct 13th, 2024

જય રણછોડ માખણ ચોરના નાદથી ગુંજી ઉઠ્યું અમદાવાદ

કોરોના કાળમાં બે વર્ષ બાદ ભગવાન જગન્નાથ, બળભદ્રજી અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળ્યાં છે. સવારે 5.30 વાગ્યાની આસપાસ ત્રણેય ભગવાનને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથ સહિત બળભદ્રજી અને બહેન સુભદ્રાનાં દર્શન કરીને સોનાની સાવરણીથી કચરો વાળીને પહિંદવિધિ કરી હતી. તેમણે ત્રણેય રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. હાલ ત્રણેય રથ મંદિરેથી પ્રસ્થાન કરી ચૂક્યા છે. ભગવાન જગન્નાથની રથયાત્રા ધીરે ધીરે રૂટ પર આગળ વધી રહી છે.સરસપુર, જમાલપુર, ખાડિયા, કાલુપુર, ઢાળની પોળ અને કોર્પોરેશન વિસ્તારમાં હળવા વરસાદની શરૂઆત થઈ છે.

હાલ રથ જમાલપુર દરવાજાથી આગળ વધી રહ્યા છે. જગન્નાથ મંદિરના મહંત દિલિપદાસજી કોર્પોરેશનની દાણાપીઠ ઓફિસે પહોંચી ગયાં છે.અમદાવાદના મેયર કિરીટ પરમાર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન, દંડક સહિતના નેતાઓ દ્વારા મહંત દિલીપદાસજીનું સ્વાગત કરવામા આવ્યું.

વિવિધ કમિટિના ચેરમેનો, ડેપ્યુટી ચેરમેનો, કોર્પોરેટરોએ પણ સ્વાગત કર્યું હતું. મોટાભાગે દર વર્ષે દિલીપદાસજી મહારાજ રથની આગળ રહેતા હોય છે, પરંતુ આ વખતે તેઓ ઢાળની પોળ પાસે અખાડા ક્રોસ કરી આગળ તરફ નીકળ્યા છે. ભગવાનના મોસાળ સરસપુર ખાતે રથયાત્રાને લઈને માહોલ જામ્યો છે.મોટી સંખ્યામાં સ્થાનિકો અને અન્ય ભક્તો દર્શન માટે આવી રહ્યા છે.એક બાદ એક રોડ રસ્તા પર બંધ કરવામાં આવી રહ્યા છે.ટ્રકો ઢાળની પોળથી પસાર થઈ ચૂકી છે. હવે અખાડા ઢાળની પોળ પહોંચ્યા છે. પોલીસ પણ સતત પેટ્રોલિંગ કરી રહી છે.

રથયાત્રાના રૂટ પર લોકોની ભીડ ઊમટી છે. ‘જય રણછોડ માખણચોર’ના નાદ સાથે ભક્તો રથયાત્રાનો આનંદ લઈ રહ્યાં છે. ભક્તો પણ ભગવાનની રાહ જોઈ રહ્યા છે. ભજન મંડળીઓ પણ ધીરે ધીરે આગળ વધી રહી છે. રથયાત્રાના રૂટ પર રામ મંદિરની ઝાંખી પણ રજૂ કરવામાં આવી હતી.ભજન મંડળીઓ વૈશ્યસભા પહોંચી છે.

Related Post

Verified by MonsterInsights