દેશમાં કોરોનાની બીજી લહેર હળવી પડવાની સાથે વેક્સીનેશનની પ્રક્રિયા ધીમે-ધીમે સ્પીડ પકડી રહી છે. એવામાં લોકોના મનમાં ઘણા સવાલો છે. જેમ કે, વેક્સીન લીધા બાદ શું થશે? શું તેની કોઈ સાઈડ ઈફેક્ટ પણ છે? જો સાઈડ ઈફેક્ટ થઈ તો શું કરવું? વેક્સીન લીધા બાદ ઘરે કેવી સાવધાની રાખવી? આ ઉપરાંત એક ચર્ચા એવી પણ છે કે, વેક્સીન લીધા બાદ પણ ઘણા લોકોને કોરોના થઈ રહ્યો છે, તો વેક્સીન મુકાવાની જરૂર છે?
આ સવાલોને લઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને લોકોની વચ્ચે ફેલાઈ રહેલી ઘણી અફવાઓએ જોર પકડ્યું છે. તો તમે પણ અફવાઓને લઈ ભરમાવાના બદલે યોગ્ય જવાબ જાણી લો.
કોવિશીલ્ડ વેક્સીનની કોઈ સાઈડ ઈફેક્ટ છે?
કોવિશીલ્ડ વેક્સીન મુક્યા બાદ સામાન્ય સાઈડ ઈફેક્ટ્સ થઈ શકે છે. કોઈ એક અથવા એક કરતા વધુ લક્ષણ હોવા સામાન્ય વાત છે. આવા લક્ષણ વેક્સીન મુકાવનારા 10માંથી એક વ્યક્તિમાં હોય છે.
- ઈંજેક્શન મુક્યુ હોય ત્યાં હળવો સોજો, લાલાશ, ખંજવાળ અથવા ઈજા થઈ હોય તેવો અહેસાસ, ગાંઠ થવી.
- તાવ, સામાન્યરીતે બીમાર હોઈએ તેવો અનુભવ થવો.
- થાક લાગવો.
- ઠંડી લાગવી અથવા તાવ આવવો.
- માથુ દુઃખવુ
- ઉલ્ટી અથવા ઉબકા આવવા.
- સાંધા અને માંસપેશિઓમાં દુઃખાવો.
કેટલાક લોકોમાં ફ્લૂ જેવા લક્ષણ જેમ કે તાવ, ગળામાં ખરાશ, નાકમાંથી પાણી વહેવું, ખાંસી અને ઠંડી લાગવા જેવા લક્ષણ પણ હોઈ શકે છે.
કોવિશીલ્ડના કેટલાક અન્ય લક્ષણો પણ હોઈ શકે છે. 100 લોકોમાંથી કોઈ 1માં જ કેટલાક અસામાન્ય લક્ષણો પણ જોવા મળ્યા છે, જેમકે…
- ચક્કર આવવા
- ભૂખ ઓછી લાગવી
- પેટમાં દુઃખાવો
- ખૂબ જ વધારે પરસેવો થવો.
- ત્વચામાં ખંજવાળ અથવા રેસિશ
કોવેક્સીનની સાઈડ ઈફેક્ટ્સ શું છે?
ભારત બાયોટેકની કોવેક્સીન મુકાવા પર થતી સાઈડ ઈફેક્ટ્સ…
- ઈંજેક્શન મુક્યુ હોય ત્યાં દુઃખાવો, સોજો, લાલાશ અથવા ખંજવાળ.
- માથુ દુઃખવુ.
- તાવ.
- બીમાર હોય તેવો અહેસાસ.
- શરીરમાં દુઃખાવો.
- ઉબકા આવવા, ઉલ્ટી.
- રેસિશ.
અનઅપેક્ષિત સાઈડ ઈફેક્ટ્સ પણ શક્ય છે…
ભારત બાયોટેક કંપનીનું કહેવુ છે કે, કોવેક્સીનની કેટલીક ગંભીર અને અનઅપેક્ષિત સાઈડ ઈફેક્ટ્સ પણ થઈ શકે છે.
તેમાં ખૂબ જ ઓછાં કેસમાં થનારું એલર્જિક રિએક્શન પણ સામેલ છે. આવુ થવા પર તુરંત જ ડૉક્ટર અથવા વેક્સીનેટરનો સંપર્ક કરવો.
સાઈડ ઈફેક્ટ્સની અસરને કઈ રીતે ઓછી કરી શકાય?
- દુઃખાવા અને તાવ માટે પેરાસિટામોલ, આઈબુપ્રોફેન અથવા એસ્પ્રિન લઈ શકાય છે.
- ઈંજેક્શન મુક્યુ હોય ત્યાં સ્વચ્છ, ઠંડુ અને ભીનું કપડું લગાવો.
- જે હાથમાં વેક્સીન મુકી હોય તેનો ઉપયોગ કરવો અને હળવી કસરત પણ કરો.
- જ્યુસ, નારિયેળ પાણી, મિનરલ વોટર ભરપૂર માત્રામાં લો.
- સાઈડ ઈફેક્ટ્સ ગંભીર થવા પર અથવા એલર્જિક રિએક્શન થવા પર તુરંત જ હોસ્પિટલ પહોંચી જવું.
શું સાઈડ ઈફેક્ટ થાય તે પહેલા જ દવા લઈ શકાય?
અમેરિકાના સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ (CDC)નું કહેવુ છે કે, સંભવિત સાઈડ ઈફેક્ટ્સની દવા, વેક્સીન મુકતા પહેલા ના લેવી જોઈએ. બની શકે કે તમને તે સાઈડ ઈફેક્ટ ના થાય, જેની તમે દવા લીધી છે.
વેક્સીનની સાઈડ ઈફેક્ટ્સ કેટલા દિવસો સુધી રહે છે?
સામાન્યરીતે કોરોના વેક્સીનની સામાન્ય સાઈડ ઈફેક્ટ્સ 24થી 48 કલાક સુધી રહે છે. જો કોઈનામાં આ લક્ષણ આના કરતા વધુ સમય સુધી દેખાય તો તેમણે તરત જ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.