મારુતિ સુઝુકી દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની તેની 1,81,754 કારો રિકોલ કરવાનો નિર્ણય કર્યો છે. કંપની Ciaz, Ertiga, Vitara Brezza, S-cross અને XL6 વેરિએન્ટ્સમાં કુલ 1,81,754 કારને રિકોલ કરશે. કંપનીનું કહેવું છે કે 4 મે 2018 થી 27 ઓક્ટોબર 2020 વચ્ચે ઉત્પાદિત વાહનોમાં કેટલીક ખામીઓ હોઈ શકે છે. આ કાર ગ્રાહકો પાસેથી લેવામાં આવશે અને રિપેર કરીને તેમને પરત કરવામાં આવશે.
કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ગ્રાહકોના હિતમાં મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડે પહેલ કરી છે અને વાહનોને પાછા બોલાવીને અને તેમને રિપેર કરવાનો નિર્ણય કર્યો છે. આ વાહનોના મોટર જનરેટર એકમોનું નવેમ્બરથી ચકાસણી કરવામાં આવશે અને જો કોઈ ખામી જણાશે તો તેને બદલવામાં આવશે.
કંપનીના જણાવ્યા મુજબ, 4 મે, 2018 થી 27 ઓક્ટોબર, 2020 ની વચ્ચે ઉત્પાદિત કારમાં કેટલીક ખરાબી હોઈ શકે છે. તેથી વાહન માલિકોને મારુતિના અધિકૃત વર્કશોપમાંથી રિકોલ માટે સૂચિત કરવામાં આવશે. જો વાહનના મોટર જનરેટર ભાગમાં કોઈ ખામી જોવા મળે તો નવેમ્બર 2021 ના પહેલા સપ્તાહથી રીપેર કરવાની કામગીરી શરૂ થશે.
અગાઉ, મારુતિ સુઝુકીએ નવેમ્બર 2020 માં તેના ઇકોના 40,453 યુનિટ્સ રીકોલ કર્યા હતા. તેમની હેડલાઇટમાં કેટલીક સમસ્યાઓ હતી. કંપનીએ જુલાઈ 2020 માં 1,34,885 વેગન આર અને બલેનોના યુનિટ્સ પણ પાછા બોલાવ્યા અને રિપેર કર્યા. તેને ઈંધણ પંપ સાથે કેટલીક સમસ્યાઓ હતી.
કંપનીની પ્રતિષ્ઠા માટે પહેલા કારને રીકોલ કરવી સારી માનવામાં આવતી ન હતી. પરંતુ હવે કંપનીઓ જાતે પહેલ કરે છે અને કારો પરત લે છે અને પોતાના ખર્ચે ખરાબ પાર્ટસ ઠીક કરે છે. જે કંપનીની વિશ્વસનીયતાને મજબૂત બનાવે છે. બ્રાન્ડ બજારમાં મજબૂતી મેળવી રહી છે. 2020 માં, મારુતિ સુઝુકીએ 3,80,615 કારો રિકોલ કરી હતી. અત્યાર સુધીમાં, કંપનીએ તેની કારના 5 લાખ થી વધુ યુનિટ્સને પાછા બોલાવી અને રિપેર કરી છે.