જુનાગઢ:જેતપુરના જુનાગઢ રોડ પર આવેલ બેંક ઓફ ઇન્ડિયાનો કારકુનને એટીએમમાં નાખવા માટે આપેલ રૂ. 43.75 લાખ લઇ પલાયન થઇ ગયાની પોલીસમાંથી ફરીયાદ નોંધાતા પોલીસે ઉચાપતનો ગુનો નોંધી કારકુનની સઘન શોધખોળ હાથ ધરી છે.આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ જેતપુર નવી લોહાણા મહાજનવાડી પાસે આવેલ આસોપાલવ એપાર્ટમેન્ટમાં રહેતા બેંક મેનેજર મનોરંજનકુમાર શ્રીબાસુદેવપ્રસાદ (ઉ.વ.37) એ જેતપુર પોલીસ મથકમાં નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે વિરપુર રહેતા બેંકના કારકુન વિજય ગંગારામ દાલીધારીયાનું નામ આપ્યું છે.પોલીસ ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે ફરીયાદી જેતપુર-જુનાગઢ રોડ પર આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના બ્રાંચ મેનેજર તરીકે ફરજ બજાવે છે. જયારે આરોપી વિજય છેલ્લા 13 વર્ષથી કારકુન તરીકે ફરજ બજાવે છે.
ગઇકાલે સવારે બ્રાંચ મેનેજરે કારકુન વિજયને એ.ટી.એમ. માં નાખવા માટે રૂ. 45,75,000 રોકડા આપ્યા હતા. રીશેષમાં આરોપી વિરપુર ઘરે જમવા જવાનું કહી નીકળી ગયા બાદ રીશેષનો સમય પુરો થવા છતાં આરોપી ફરજ પર પરત ફર્યો નહોતો.જયારે કારકુનના મોબાઇલ પર સંપર્ક કરતા મોબાઇલ ફોન પણ સ્વીચ ઓફ આવતા બેંક મેનેજરને ફાળ પડી હતી અને એ.ટી.એમ.માં જઇ તપાસ કરતા એ.ટી.એમ. મશીન ખુલ્લુ હતું અને પૈસા નાખવામાં આવ્યા નહોતા.
13 વર્ષ જુના બેંક કર્મચારીની સાંજ સુધી રાહ જોયા બાદ બેંક મેનેજરે અંતે પોલીસને જાણ કરતાં પોલીસે ઉચપતનો ગુનો નોંધી આરોપીની સઘન શોધખોળ શરુ કરી છે. આ બનાવની તપાસ જેતપુર પી.આઇ. પી.ડી. હરજીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એસ.એમ. વસીયા ચલાવી રહ્યા છે.