સાઉદી અરેબિયાએ કહ્યું છે કે કોરોના વાયરસ રોગચાળાને લીધે, આ વર્ષે 60 હજારથી વધુ લોકોને હજની મંજૂરી આપવામાં આવશે નહીં અને તે બધા અહીંના નાગરિકો અથવા રહેવાસી હશે. આ સાથે જ તે બધા માટે રસીકરણનું પ્રમાણપત્ર રાખવું ફરજિયાત રહેશે.
સરકાર સંચાલિત સાઉદી પ્રેસ એજન્સી મારફત સાઉદી અરેબિયાએ શનિવારે આ જાહેરાત કરી હતી. હજ અને ઉમરાહ મંત્રાલયના નિર્ણયને ટાંકીને તેમણે આ માહિતી આપી છે. ગયા વર્ષે, સાઉદી અરેબિયામાં પહેલાથી જ રહેતા લગભગ એક હજાર લોકોની પસંદગી હજ માટે કરવામાં આવી હતી. જુલાઇના મધ્યમાં હજ શરૂ થાય છે.
હજ મંત્રાલયે કહ્યું કે આ વર્ષે ફક્ત 60 હજાર સાઉદી રહેવાસીઓ અને નાગરિકોને મુસાફરી કરવાની મંજુરી મળશે. ફક્ત તે જ લોકોને કે જેમને રસી આપવામાં આવી છે અને 65 વર્ષથી ઓછી વયની વ્યક્તિઓને હજ પર જવાની મંજૂરી આપવામાં આવશે. આ સિવાય બીમાર હોવાનાં કોઈ લક્ષણ હોવા જોઈએ નહીં.
કોરોના વાયરસના રોગચાળાને કારણે સતત બીજી વખત હજ યાત્રા પર પ્રતિબંધ મૂકવો પડ્યો છે. સામાન્ય રીતે, દર વર્ષે દુનિયાભરના લાખો મુસ્લિમો હજમાં ભાગ લે છે. મુસ્લિમ સમુદાયનું માનવું છે કે જીવનમાં એક વખત તો હજયાત્રા ચોક્કસ કરવી જોઇએ.