આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારા પર પેટ્રોલ અને ડીઝલની કિંમતો ગુરુવારે 52 દિવસમાં નવમી વખત વધી છે. સરકારી ઓઈલ કંપનીઓએ ગુરુવારે પેટ્રોલમાં 26 પૈસા અને ડીઝલમાં 27 પૈસા વધારો કર્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના વધતા ભાવને પગલે લોકોને ઈંધણના ભાવમાં ઘટાડાની કોઈ સંભાવના દેખાતી નથી. એવા સમયે કે પેટ્રોલ અને ડીઝલના આકાશને આંબતા ભાવમાં ઘટાડા માટે જનતા સરકાર તરફ નજર દોડાવી રહી છે ત્યારે આ મુદ્દે કેન્દ્ર અને રાજ્ય સરકારો એકબીજાને ખો આપી રહી છે.
કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાને રોકવા વેટ ઘટાડવા કહ્યું છે જ્યારે રાજ્ય સરકારો કેન્દ્ર એક્સાઈઝમાં ઘટાડો કરે તેવી આશા રાખીને બેઠી છે. પરિણામે, કેન્દ્ર અને રાજ્ય સરકારોની એકબીજાને ખો આપવાની વચ્ચે જનતા મોંઘવારીમાં પીસાઈ રહી છે અને હાલના સંજોગોમાં ઈંધણના ભાવમાં ઘટાડો થવાના સંકેત મળ્યા નથી.
વિધાનસભાની ચૂંટણી દરમિયાન 18 દિવસના વિરામ બાદ 4 મેથી રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આ 29 મો વધારો છે. આ સમયે પેટ્રોલની કિંમત પ્રતિ લીટર રૂ. 7.36 અને ડીઝલ પ્રતિ લીટર રૂ. 7.77 મોંઘા થયા છે.
દિલ્હીમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. 97.76 ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો જ્યારે ડીઝલનો ભાવ પ્રતિ લીટર રૂ. 88.30 થયો છે. અમદાવાદમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. 94.60 અને ડીઝલનો ભાવ પ્રતિ લીટર રૂ. 95.05 થયો હતો. ચેન્નઈમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. 98.88 અને ડીઝલનો ભાવ પ્રતિ લીટર રૂ. 92.89 છે. 2019 પછી આંતરરાષ્ટ્રીય સ્તરે એપ્રિલ માં પહેલી વખત બ્રેન્ટ ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ 75 ડોલરને પાર થયું છે તેમજ યુએસ ડોલર સામે રૂપિયો નબળો પડતાં પણ ક્રૂડની આયાત મોંઘી થવાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.
હાલમાં દેશના નવ રાજ્યો – રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, જમ્મુ-કાશ્મીર, ઓડિશા અને લદાખ – ના પેટ્રોલનો ભાવ રૂ. 100 નું સ્તર વટાવી ગયું છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ રૂ. 103.89 અને ડીઝલ રૂ. 95.79 છે. દેશમાં ડીઝલનો સૌથી વધુ ભાવ પણ રૂ. 100 નું સ્તર વટાવી ગયું છે. આ મહિનાની શરૂઆતમાં, રાજસ્થાનમાં શ્રીગંગાનગર અને હનુમાનગઢ તેમજ ઓડિશામાં કેટલાક સ્થળોએ ડીઝલના ભાવ રૂ. 100 થી ઉપર છે