Fri. Oct 4th, 2024

ડુપ્લિકેટ RC બુકનું રાજ્યવ્યાપી કૌભાંડ આવ્યું બહાર,માગો તે વાહનની આરસી બુક તૈયાર મળશે

આણંદ: ઉમરેઠમાંથી છ ડુપ્લિકેટ આરસી બુક સાથે ઝડપાયેલા આરટીઓ એજન્ટે કરેલી કબુલાતના આધારે આણંદ જિલ્લા એલસીબી ટીમે તપાસનો દોર બનાસકાંઠા સુધી લંબાવ્યો હતો. પોલીસે બનાવટી આરસી બુક કૌભાંડના સૂત્રધારને ઝડપી લીધો હતો અને 1,252 બનાવટી આરસી બુકનો જથ્થો જપ્ત કર્યો હતો. ચોંકાવનારી બાબત એ છે કે અમદાવાદ, રાજકોટ, ભાવનગર સહિતના રાજ્યભરના આરટીઓ એજન્ટ દ્વારા બનાવટી આરસી બુક ખરીદવામાં આવતી હતી. જેના કારણે કૌભાંડમાં સંડોવાયેલા અસંખ્ય આરટીઓ એજન્ટ પોલીસના રડારમાં આવી ગયા છે.

કેવી રીતે બહાર આવ્યું આખું કૌભાંડ?
આણંદ એલસીબીને બાતમી મળી હતી કે ઉમરેઠમાં રહેતો એક આરટીઓ એજન્ટ ડુપ્લિકેટ આરસી બુક વેચી રહ્યો છે. તેના આધારે એલસીબી પીઆઈ કે બી ચૌધરી, પીએસઆઈ પી એ જાદવ તથા પોલીસ ટીમે ગુપ્તતાપુર્વક ઓપરેશન પાર પાડવાની વ્યુહરચના બનાવી હતી. પોલીસ ટીમે આરટીઓ એજન્ટ ગુલામ મહંમદ ઉર્ફે ગુલો આદમ વોરાને ઝડપી લીધો હતો અને તેની પાસેથી 6 ડુપ્લીકેટ આરસી બુક મળી આવી હતી.

અમદાવાદમાં ખરાઈ કરતાં પોલીસ ચોંકી ઉઠી
આણંદ એલસીબી ટીમે જપ્ત કરાયેલી 6 આરસી બુકની ખરાઈ કરવા માટે અમદાવાદના આરસી બુક રીડર સેન્ટરમાં લઈ જઈને ચિપ રીડર દ્વારા ચકાસણી કરાઈ હતી. ચિપ અને આરસી બુકના ડેટામાં ભારે તફાવતો જોવા મળતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જપ્ત કરાયેલી 6 આરસી બુક બનાવટી હોવાનું પુરવાર થતાં ગુલામ ઉર્ફે ગુલ સામે વિધિવત રીતે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

કૌભાંડનો મુખ્ય સુત્રધાર ઝડપાયો
ગુલામ ઉર્ફે ગુલે કબુલાત કરી હતી કે બનાસકાંઠાના રજોસણા ગામમાં રહેતા તારીફ અબ્દુલ હમીદ માકણોજીયા પાસેથી ડુપ્લિકેટ આરસી બુક ખરીદી હોવાની કબુલાત કરી હતી. જેના આધારે પોલીસ ટીમે તારીફની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી. તારીફની પાલનપુર હાઈવે પરના ગોલ્ડન પ્લાઝામાં આવેલી ઓફિસમાં રેડ કરતાં તૈયાર કરાયેલી 999 ડુપ્લીકેટ આરસી બુક,253 જેટલી અડધી છપાયેલી અને 253 જેટલી કોરી આરસી બુક મળી આવી હતી. ઉપરાંત પ્રિન્ટર, થિનરની બોટલ, પ્રિન્ટર રોલનો જથ્થો, મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

2500થી 3000 રુપિયામાં ડુપ્લિકેટ આરસી બુક
કૌભાંડનો સુત્રધાર તારીફ તેના ગુજરાતભરમાં સંપર્ક ધરાવતા આરટીઓ એજન્ટને રુપિયા 2500થી 3000માં ડુપ્લિકેટ આરસી બુક વેચતો હતો. અમદાવાદ, રાજકોટ અને ભાવનગર સહિતની આરટીઓ એજન્ટ તરીકે કામ કરતા એજન્ટને વેચવામાં આવતી હતી. અત્યાર સુધીમાં 500 કરતાં પણ વધારે ડુપ્લિકેટ આરસી બુક વેચી ચુક્યાનું બહાર આવ્યું છે.

કેવી રીતે મેળવતા હતા અસલી આરસી બુક?
કૌભાંડનો સૂત્રધાર તારીફ મહેસાણા, બનાસકાંઠા અને પાટણ જિલ્લાની આરટીઓમાં એજન્ટ તરીકે કામ કરે છે. જે વાહનોના એચપી કેન્સલ કરાવવા હોય કે દાખલ કરાવવા હોય તથા ટ્રાન્સફર કરાવવાના હોય તેવા વાહનની આરસી બુક તેની પાસે રાખી લેતો હતો. જે આરસી બુક પર કેમિકલ વડે પ્રિન્ટ કરાયેલી વિગતો ભુંસી નાખતો હતો. જેના પર જે વાહનની આરસી બુક બનાવવાની હોય તેની વિગતો પ્રિન્ટ કરી ડુપ્લિકેટ બનાવી લેતો હતો.

ડુપ્લીકેટ આરસી બુક એજન્ટ કેમ ખરીદતા હોય છે ?
જે વાહનોની લોનના હપ્તા ભરાતા ન હોય તેવા વાહનો ફાઈનાન્સર કે સીઝર દ્વારા સીઝ કરવામાં આવે છે.જો વાહનનો માલિક બે માસમાં તે વાહનના લોનના હપ્તાની રકમ ન ચુકવે તો તેવા વાહનોને હરાજી કરી વેચી દેવામાં આવે છે.તે સમયે વાહન ખરીદનારને આરસી બુક આપવી પડે છે.જે સમયે અસલી આરસી બુક ન હોવાથી ડુપ્લીકેટ આરસી બુક પધરાવી દેવામાં આવે છે.

એજન્ટની માંગ પ્રમાણે વિગતો પ્રિન્ટ કરતો હતો
પાંચ દિવસના રીમાન્ડ પર સોંપાયેલા તારીફે કબુલાત કરી હતી કે જે એજન્ટને ડુપ્લીકેટ આરસી બુકની જરુર હોય તે એજન્ટ પાસેથી વાહનનો નંબર અને માલિક સહિતની વિગતો મેળવી ડુપ્લીકેટ આરસી બુક બનાવી આપતો હતો.

મુંબઈથી ખરીદ્યું હતું પ્રિન્ટર
તારીફે ડુપ્લીકેટ આરસી બુક પ્રિન્ટ કરવા માટેનું પ્રિન્ટર મુંબઈથી ખરીદ્યાની કબુલાત કરી હતી.તેને ડુપ્લીકેટ આરસી બુક બનાવવાનો આઈડીયા કોણે આપ્યો ? તેને કોણે શીખવાડ્યું ? અત્યાર સુધીમાં કયા એજન્ટને કેટલી આરસી બુક આપી ? તેની સાથે અન્ય કોણ સંડોવાયેલા છે ? તે તમામ બાબતોની પુછપરછ કરવામાં આવી રહી છે.

Related Post

Verified by MonsterInsights