વડોદરા: સાવલીના પીલોલ ગામમાં માતાજીના મંદિરના ચોકમાં યોજાતા સાર્વજનિક ગરબામાં દલિત સમાજની મહિલા સહિત બે વ્યક્તિઓને ચાલુ ગરબામાંથી બહાર કાઢી મૂકવાતા આવતા હોબાળો મચયો હતો. આ બનાવમાં પોલીસે ગરબા રમવા નહીં દેનાર બે મહિલા 5 લોકો સામે સાવલી પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. આ બનાવે પિલોલ ગામ સહિત સમગ્ર પંથકમાં ચકચાર જગાવી મુકી હતી.
પીલોલ ગામમાં રહેતા અને અલિન્દ્રા ખાતેની ખાનગી કંપનીમાં નોકરી કરતા વિનોદભાઇ મોહનભાઇ રાત્રે ઘરે હતા. તે સમયે રાત્રે 10 વાગ્યાના સુમારે તેમના કાકાના પુત્ર યોગેશભાઇ રાજેન્દ્રભાઇની પત્ની પદ્માબહેન અને તેમની ભત્રીજી તૃપ્તી(ઉં.11) ગામમાં માતાજીના ચોકમાં આયોજીત સાર્વજનિક ગરબા મહોત્સવમાં ગરબા રમવા માટે ગયા હતા. થોડા સમય બાદ વિનોદભાઇ પણ ગરબા જોવા માટે માતાજીના ચોકમાં ગયા હતા.
અપશબ્દો બોલીને ગરબામાંથી બહાર કાઢી મૂક્યા
દરમિયાન ગરબા રમી રહેલા પદ્માબહેન અને તેમની ભત્રીજી તૃપ્તીએ ગરબાનો એક રાઉન્ડ માર્યા બાદ તેઓની આગળ ગરબા રમી રહેલા તારાબહેન લાલાભાઇ પરમારે બંનેને ગરબાના રાઉન્ડમાંથી જાતી વિરૂદ્ધ અપશબ્દો બોલી ગરબામાંથી બહાર કાઢી મૂક્યા હતા અને જણાવ્યું હતું કે, તમારાથી અમારા સમાજના ગરબામાં ગરબા રમી શકાય નહીં. ગરબામાંથી કાઢી મૂકતા પદ્માબહેન અને તૃપ્તી બહેને રડતા રડતા આ અંગેની ફરિયાદ ગરબા જોવા માટે આવેલા વિનોદભાઇને કરી હતી. વિનોદભાઇએ ગામના સરપંચને બુમ પાડી ફરિયાદ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, સરપંચ લાઉડ સ્પીકરના કારણે અવાજ સાંભળી શક્યા ન હતા.
3 લોકોએ અપશબ્દો બોલવાનું શરૂ કર્યું
સરપંચ સાથે વાત ન થતાં તે સ્થળે ઉભેલા ગામના રહેવાસી છત્રસિંહ પરમાર(ભુવાજી) તથા મુકેશભાઇ પરમાર તેમજ લાલજીભાઇ શનાભાઇ પરમારે વિનોદભાઇને અપશબ્દો બોલવાનું શરૂ કરી દીધું હતું. વિનોદભાઇને ગાળો ન બોલવા જણાવતા પરમાર ત્રિપુટી ઉશ્કેરાઇ ગઇ હતી અને વિનોદભાઇને જણાવ્યું કે, તમારા બૈરી, છોકરીઓથી અમારા સમાજના ગરબામાં ગરબા રમી શકાય નહીં. તેમ જણાવી ઝઘડો કર્યો હતો.
મહિલાએ સાવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
દરમિયાન વિનોદભાઇ, પદ્માબહેન અને તૃપ્તીને લઇ ઘરે જતા રહ્યા હતા અને ગરબામાં બનેલા બનાવની જાણ પદ્માબહેનના પતિ યોગેશભાઇને કરી હતી. તે બાદ વિનોદભાઇ, તેમનો ભાઇ મિતેષ તેની પત્ની ભારતીબહેન અને યોગેશ તથા તેની પત્ની પદ્માબહેનને લઇ પોલીસ મથકમાં પહોંચ્યા હતા અને સાવલી પોલીસ મથકમાં પહોંચી ફરિયાદ નોંધાવી હતી. સાવલી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.