કેરળના મલપ્પુરમમાં આશરે 1 વર્ષ પહેલા ગર્ભવતી હાથીને ફટાકડા ખવડાવવાની ઘટના ભાગ્યે જ ભૂલી શકાય છે. આવી જ એક અમાનવીય ઘટના કર્ણાટકના હસન જિલ્લામાં બની છે. કર્ણાટકમાં પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતાનો એક દુઃખદ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
અહીં અજાણ્યા લોકોએ નિર્દયતાથી વાનરોને મારી નાખ્યા છે. કર્ણાટકના હસન જિલ્લામાં એક સાથે 60 વાનરને ઝેર આપવામાં આવ્યા છે. બુધવારે મોડી રાત્રે આ મામલો પ્રકાશમાં આવ્યો હતો. પોલીસને હસન જિલ્લાના સકલેશપુર વિસ્તારમાં વાનરના મોતની માહિતી મળી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે ત્યાંની ઘણી બોરીઓમાં વાનર મળી આવ્યા હતા. આ બોરીઓમાં 60 વાંદરાઓને નિર્દયતાથી મારીને ફેંકી દેવામાં આવ્યા હતા.
તેમાંથી 46 વાનર મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસનું કહેવું છે કે પ્રાથમિક તપાસ સૂચવે છે કે આ વાનરોને ઝેર આપવામાં આવ્યું હતું અને તે પછી તેમને બોરીઓમાં ભરીને ફેંકી દેવામાં આવ્યા હતા. સકલેશપુર પોલીસે જણાવ્યું હતું કે ‘આ વાનરો કોથળામાં બંધ હાલતમાં મળી આવ્યા છે. જેમાંથી ફક્ત 14 વાનરોનો બચાવ થયો છે.
પ્રાથમિક તપાસ મુજબ ઝેરના કારણે 46 વાનરના મોત થયા છે. વાનરો પ્રત્યે ક્રૂરતાના આ કેસમાં FIR નોંધવામાં આવી છે. બેલુર વન વિસ્તારના સહાયક સંરક્ષક પ્રભુ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. વન વિભાગ આ મામલે તપાસ કરી રહ્યું છે. વિભાગનું માનવું છે કે વાંદરાઓને કોઈ અન્ય જગ્યાએથી લાવવામાં આવ્યા હતા અને તેમને બીજી જગ્યાએ મોકલવાની યોજના હશે
તેમ કરવામાં નિષ્ફળ જતાં ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. વાંદરાનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે, જેમાં જાણવા મળ્યું છે કે તેને મુખ્યત્વે ઝેર આપવામાં આવ્યું હતું.