દાહોદમાં સરકારી શાળાનું બાંધકામ 1937માં કરવામાં આવ્યું હતું. આ શાળાનું બાંધકામ જર્જરિત થઇ ગયું હોવાના કારણે શાળામાં અભ્યાસ કરતા બાળકોને ભાડાના મકાનના ભણાવવાનો નિર્ણય કરાયો છે. તેથી છેલ્લા બે વર્ષથી દાહોદના ઝાલોદ રોડ પર આવેલી સરકારી શાળા એક ખાનગી મકાનમાં ચાલી રહી છે.
શાળાના આ બિલ્ડીંગને ભાડા પેટે રાખવામાં આવ્યું હતું. પણ ભાડું ચુકવવામાં અનિયમિતતા થતા મકાનમાલિક દ્વારા શાળાને ખાલી કરવા માટે જણાવાયુ છે. તેથી શાળામાં આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓના વાલીઓને બાળકોને અન્ય શાળામાં ભણાવવા માટે મુકવાનું જણાવાયુ હતું.
પણ વાલીઓની માગણી છે કે, સરકાર બાળકોના ભવિષ્ય માટે એક સરકારી શાળા બનાવી આપતી નથી. વર્ષોથી આ શાળા ચાલી રહી છે, હાલ આ શાળાની અંદર 700 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. તેમના ભવિષ્યનો વિચાર સરકાર કરે અને શાળાનું બિલ્ડીંગ નવું બનાવીને આપે. આ મામલે વાલીઓએ વિરોધ પણ નોંધાવ્યો હતો.
રોષે ભરાયેલા વિદ્યાર્થીના વાલીએ જણાવ્યું હતું કે, અમારા બાળકનું ભવિષ્ય બગડી રહ્યું છે. ક્યારેક છોકરાને આ શાળામાં બેસાડો તો ક્યારેક બીજી શાળામાં આવું અમે શા માટે કરીએ? અમારા બાળકોને આ શાળામાં જ ભણાવવા છે. મારા સસરા આ શાળામાં ભણ્યા હતા, મારા પતિ પણ આ શાળામાં ભણ્યા છે અને મારો દીકરો પણ આ શાળામાં જ અભ્યાસ કરશે. આ તો કહે છે કે, તમારા બાળકને ઠક્કર બાપા શાળામાં મૂકી દઈશું. તો શું એક શાળા બનાવવાની તાકાત નથી તમારામાં દુનિયાના આટલા મોટા ફેસલા લો છો તો શું એક શાળા બનાવવાની તાકાત નથી તમારી અંદર.
અન્ય વાલીએ જણાવ્યું હતું કે, અમને કહેવામાં આવ્યું છે કે, શાળાને ખાલી કરી આપો. અત્યારે અમારી પાસે એટલી સુવિધા નથી કે અમે બાળકને ખાનગી શાળામાં ભણાવી શકીએ. અમારું કહેવું છે કે, અમારી જૂની શાળા બનાવી આપો. મારી દીકરી શાળામાં ભણે છે. સરકાર એવું કહે છે કે, બેટી બચાવો અને બેટી ભણાવો. જો સરકાર દીકરીને ભણાવી શકતી નથી તો તેને આ બોલવાનો અધિકાર પણ નથી. અમારી અપીલ એટલી છે કે, સરકાર કહે છે દીકરીને ભણાવો તો દીકરીને ભણવા માટે જ આ શાળા બનાવી આપોને. કેમ અમારી ઝાલોદ રોડની જૂની શાળા બનાવી નથી આપતા.
અન્ય એક વાલીએ જણાવ્યું હતું કે, બધા લોકોને તો સાહેબે જવાબ આપ્યો છે કે, તમારા છોકરાઓ ઠક્કરબાપા અને તાલુકા પંચાયતની શાળામાં ભણશે. આ ઉપરાંત બાળકો માટે જે રીક્ષા કે પછી મારુતિ વાનનું ભાડું થશે તે અમે તમને આપીશું. પણ અમારા વાલીઓનું કહેવું છે કે, અમે અમારા બાળકોને બીજી શાળામાં મોકલવા માટે તૈયાર નથી. અત્યારે જે શાળામાં બાળક ભણે છે તે શાળામાં જ બાળકને ભણાવવામાં આવે.
અન્ય એક વાલીએ જણાવ્યું હતું કે, સરકારનો નિયમ હોય છે કે રહેણાંકના એકથી દોઢ કિલોમીટર સુધીની વિસ્તારની શાળામાં ભણાવવા. પણ હવે ત્રણ કિલોમીટર દૂર આવેલી શાળામાં બાળકોને ભણવા જવાનું કહેવામાં આવે છે. એટલે અમે અમારા બાળકોને શાળા વગર ખુલ્લામાં ભણાવવા માટે તૈયાર છીએ પણ દૂર જવા દેવા માટે તૈયાર નથી. અમારા બધા વાલીઓનો આ નિર્ણય છે.