દાહોદના ધાનપુર ખાતે એક પરણિતાને માર મારવાની ઘટનાને હજી થોડાક જ દિવસ થયા છે ત્યાં ધાનપુરના ભુવરા ગામના એક વીડિયોએ ચકચાર મચાવી છે. જેમાં બે સગીરાઓ પાસેથી મોબાઈલ ફોન મળી આવતા તેમને ઢોર માર મારવામાં આવ્યો છે.
આ બનાવ અંગે મળતી માહિતી પ્રમાણે બન્ને સગીરાઓ મોબાઈલ ફોનથી વાતચીત કરતા નજરે પડતા ગામના 15 જેટલા લોકોના ટોળાએ બન્ને સગીરાને ગડદાપાટુનો માર માર્યો હોવાનું સામે આવ્યું છે.
વધુમાં બન્ને સગીરાઓને જાનથી મારી નાખવાની ધમકી મળી હોવાનું પણ જાણવા મળ્યું છે. સમગ્ર મામલે સગીરાના સંબંધીઓ દ્વારા ધાનપુર પોલીસ મથકે ટોળા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ત્યારે પોલીસે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.