અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ તાલિબાને તેના કાયદા કાનૂન લાદવાનું શરૂ કરી દીધું છે. તાલિબાને કહ્યું છે કે, અફઘાનિસ્તાનનો નવો કાયદો ઇસ્લામના આધારે બનાવવામાં આવી રહ્યો છે. આ બધાની વચ્ચે તાલિબાનોએ અફઘાનિસ્તાનની જેલોમાંથી આશરે 2,300 કેદીઓને મુક્ત કર્યા છે. એક અહેવાલ મુજબ, આ કેદીઓમાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP), અલ કાયદા અને ઈસ્લામિક સ્ટેટ જેવા આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા લોકો છે.
છેલ્લા થોડા દિવસોમાં તાલિબાને તાલિબાન કેદીઓને કંદહાર, બાગ્રામ અને કાબુલમાંથી મુક્ત કર્યા છે. મુક્ત કરાયેલા લોકોમાં આતંકવાદી સંગઠન TTPના ભૂતપૂર્વ નાયબ વડા મૌલવી ફકીર મોહમ્મદ પણ છે. તેમની મુક્તિ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન બંને માટે નવો ખતરો બની શકે છે. મૌલવી ફકીરની ફેબ્રુઆરી 2013માં અફઘાન સુરક્ષા દળો દ્વારા નંગરહારમાં ધરપકડ કરવામાં આવી હતી.
અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીના ભાગ્યા બાદ તાલિબાનોએ રાજધાની કાબુલ સહિત લગભગ સમગ્ર અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો છે. કાબુલમાં પોતાનું દૂતાવાસ બંધ કર્યા પછી, યુએસ ચિંતિત છે કે અફઘાનિસ્તાન ફરી એક વખત વિશ્વનો આતંકનો અડ્ડો બની શકે છે. આ સાથે આતંકવાદી જૂથો ફરી એક થઈ તબાહી ફેલાવી શકે છે. યુએસ જોઇન્ટ ચીફ ઓફ સ્ટાફના ચેરમેન માર્ક મિલીએ કહ્યું છે કે, ‘ટૂંક સમયમાં આતંકવાદી સંગઠનો એક થઇ આતંક ફેલાવવાનું શરૂ કરી શકે છે.’