દ્વારકા:ખંભાળિયામાંથી ધોરણ 10 માં બોર્ડની બોગસ માર્કશીટ, સર્ટિફિકેટ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં બોગસ માર્કશીટના કૌભાંડનો મુખ્ય સૂત્રધાર આમ આદમી પાર્ટીનો નેતા નીકળ્યો છે. દ્વારકા જિલ્લા આમ આદમી પાર્ટીનો જિલ્લા પ્રમુખ કારું ભાન ઉર્ફે કે .જે. ગઢવી આ કૌભાંડનો માસ્ટર માઇન્ડ હોવાનું સામે આવ્યું છે.
ઊગમણા બારા તથા ગોઈંજ ગામના યુવકોને રૂપિયા 27 હજાર વસૂલી દિલ્લી બોર્ડના ધોરણ 10ના બનાવટી રિઝલ્ટ આપી છેતરપિંડી કરવા બાબતે ખંભાળિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ભોગ બનનાર દ્વારા આર્મી ભરતીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે આપતા સમગ્ર સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. પોલીસે આઈ.પી.સી ની વિવિધ કલમો મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ આદરી છે.
બીજી તરફ આ કૌભાંડમાં આપના નેતાનું નામ ખૂલતાં જ દ્વારકા જિલ્લામાં આપ પાર્ટીના પ્રમુખ કે જે ગઢવીને હોદા પરથી દુર કરાયા છે. સ્થાનિક ચૂંટણીઓમાં પરિણામો ન આવતા અજિત લોખીલ સંગઠન મંત્રી આપ પાર્ટી દ્વારા ગત ૭/૧૦/૨૦૨૧ ના રોજ દૂર કરાયા ની પ્રેસ નોટ ઇસ્યુ થઈ છે. આજે બોગસ સર્ટિ પ્રકરણમાં નામ ખુલતા પ્રાથમિક સભય પદેથી પણ દૂર કરાયા છે.
આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા તાલુકાના ચારબારા ગામના રહીશ પ્રવિણસિંહ પથુભા વાઘેલાએ મૂળ ખંભાળિયા તાલુકાના પરોડિયા ગામે રહેતા અને હાલ કજુરડા ગામના રહીશ એવા ગઢવી કારુભાઈ જીવાભાઈ ભાન સામે સવિસ્તૃત ફરિયાદમાં જાહેર કરેલી વિગત મુજબ તેમના બે સંતાનો પૈકી નાનો પુત્ર વિરમદેવસિંહ કે જેણે માર્ચ 2017 માં ધોરણ 10ની પરીક્ષા આપી હતી અને તે ત્રણ વિષયમાં નાપાસ થયો હતો. જેના કારણે વિરમદેવસિંહ મુંજાઈ ગયો હતો.
આ બાળકને આર્મીમાં ભરતી થવું હોય, અને દેશની સેવા કરવાની મહેચ્છા હોવાથી નાપાસ થવાના કારણે તેને પારાવાર અફસોસ થયો હતો અને તે માનસિક અસ્વસ્થ થઈ અને નાસીપાસ થઈ ગયો હતો. આ તરુણ કોઈ અનિચ્છનીય પગલું ભરી લ્યે તે માટે ફરિયાદી પ્રવિણસિંહે તેમના મિત્ર સુખદેવસિંહને આખી વાત કરી હતી અને સુખદેવસિંહ દ્વારા તેમના સંબંધીના પુત્રનો કજુરડાના પાટીયા પાસે કારુ ગઢવીની માનવ મંદિર સ્કૂલ મારફતે ધોરણ 10 પાસ કરાવી આપેલ અને જે તે વખતે રૂપિયા 15 હજારનો ખર્ચ થયાનું જણાવ્યું હતું. જેથી પ્રવીણસિંહએ પોતાના પુત્ર માટે તમામ તૈયારી દર્શાવી, કારૂ ગઢવીની કજુરડા સ્થિત ઓફિસ જેવા સ્થળે પહોંચી ગયા હતા.
અહીં ફરિયાદી મહેન્દ્રસિંહ તથા તેમની સાથે ગોઈંજ ખાતે રહેતા તેમના સાઢુભાઈ મહેન્દ્રસિંહ દોલુભા રાઠોડના પુત્ર જયપાલસિંહ અને અન્ય એક બાળક પ્રદ્યુમનસિંહને ધોરણ 10 મા પાસ કરાવવાના હોય, આ અંગેની વાત કરતા કારુ ગઢવીએ કહેલ કે- ” હું પાસ કરાવી આપીશ. મેં આવા કેટલાય છોકરાઓને ધોરણ 10 પાસ કરાવી દીધા છે. ગુજરાત બોર્ડમાં નહીં થાય, પરીક્ષા દિલ્હી બોર્ડમાં ભરવાની રહેશે. આ માટે રૂ. 27 હજારનો ખર્ચ થશે. તમામ જવાબદારી મારી. તમે ભરોસો રાખો. હું કાયદેસર કાર્યવાહી કરું છું. દીકરાને ભવિષ્યમાં કોઈ નડતર ન થાય તે પણ મારે જોવાનું છે. હું કોઇ ગરીબ માણસનું ખોટું નહીં કરું”- તેવી લોભામણી ખાતરીઓ આપી હતી.
પ્રવીણસિંહ તથા અન્ય લોકોએ જરૂરી ડોક્યુમેન્ટસ કે.જે. ગઢવીને આપ્યા હતા. થોડા દિવસ પછી તેણે ફોન કરીને કહે કે- “દિલ્હીમાં સરકારએ ધોરણ 10 ના તમામ છોકરાઓને ડાયરેક્ટ પાસ કરી દીધા છે. તમે નસીબવાળા છો. એટલે દીકરાને પરીક્ષા આપ્યા વગર સર્ટી મળી ગયું છે”.
આર્મીની ભરતીમાં વેરિફિકેશન કરતા બોગસ સર્ટી અંગેનો ભાંડો ફૂટ્યો
આ સર્ટીફીકેટ મેળવી અને આર્મીમાં જવાનું સપનું જોતા વિરમદેવસિંહ પ્રવિણસિંહ વાઘેલાએ થોડા સમય પૂર્વે આર્મીની ભરતી અંગેની જાહેરાત આવતા ઓનલાઇન ફોર્મ ભરી, પરીક્ષા પાસ કરી અને તેના ધોરણ 10ના સર્ટીફિકેટ વિગેરે વેરિફિકેશન માટે જમા કરાવ્યા હતા.
એ પછી 15 દિવસ પૂર્વે વેરિફિકેશન બાદ બોગસ સર્ટી અંગેનો ભાંડો ફૂટતા સલાયા મરીન પોલીસે પ્રવિણસિંહને પૂછપરછ માટે બોલાવ્યા હતા. જ્યાં તેમણે સમગ્ર ઉપરોક્ત બાબત પોલીસ સમક્ષ વર્ણવી હતી. આ સ્થળે જ કારુ ગઢવીને ફોન કરતાં તેણે કહેલું કે- “મેં આપેલું સર્ટી ઓરીજનલ જ છે. ઓનલાઇન થયેલ ન હોવાથી આ લોચો થયો છે”- જેના અનુસંધાને ફરિયાદી પ્રવિણસિંહ તેમનો પુત્ર વીરમદેવસિંહ, મિત્ર સુખદેવસિંહ તથા કિરીટસિંહ વિગેરે રાજકોટ ખાતે એક આસામી પાસે ગયા હતા. પરંતુ તેમનું અવસાન થઈ ગયું હતું. બાદમાં કારુ ગઢવી ફોન ઉપાડતા ન હતા અને ઘરના મહિલાઓને ફોન આપી દેતા હતા.
આમ, રૂપિયા ૨૭૦૦૦ લઈ અને છેતરપિંડી તથા વિશ્વાસઘાત કરી, બોગસ સર્ટિફિકેટ બનાવવા ઉપરાંત કજૂરડા ગામના પાટિયા પાસે ચાલતી માનવ મંદિર સ્કૂલ અને હોસ્ટેલ પણ સંભવતઃ માન્યતા વગરની હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. ફરિયાદીના પુત્ર વીરમદેવસિંહ ઉપરાંત અન્ય છોકરાઓના પણ બોગસ સર્ટિફિકેટ બનાવવામાં આવ્યા હોવાની સંભાવના પણ પોલીસ ફરિયાદમાં વ્યક્ત કરવામાં આવી છે.