Sun. Oct 13th, 2024

નડિયાદમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી : નડિયાદના શ્રેયસ અંડર બ્રિજમા વરસાદી પાણી ભરાઈ ગયુ હતુ, જેમાં એક એમ્બ્યુલન્સ ફસાઈ

ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં શુક્રવારે રાતે ધોધમાર તૂટી પડ્યો હતો. ત્યારે ખેડા જિલ્લાના નડિયાદમાં પણ મોડી રાત્રે ભારે પવન તથા ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. જોકે, પહેલા વરસાદમાં જ ખેડા પાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની નિષ્કાળજીનો પુરાવો જોવા મળ્યો. નડિયાદના શ્રેયસ અંડર બ્રિજમા વરસાદી પાણી ભરાઈ ગયુ હતુ. જેમાં એક એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ હતી.

દર્દીને લેવા જતી એમ્બ્યુલન્સ અંડર બ્રિજમાં ફસાઈ

એક એમ્બ્યુલન્સ કઠલાલ દર્દીને મુકી કરમસદ દર્દીને લેવા જઈ રહી હતી. ત્યારે નડિયાદના શ્રેયસ અંડર બ્રિજમાં ગરનાળાના પાણીમા એમ્બ્યુલન્સ ફસાઈ હતી. એમ્બ્યુલન્સમાં બે લોકો સવાર હતા.

ઘટનાની જાણ થતા તાત્કાલિક નડિયાદ ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી એમ્બ્યુલન્સને બહાર કાઢવા રેસ્ક્યુ હાથ ધરવામા આવ્યુ હતુ.

30 મિનિટ બાદ એમ્બ્યુલન્સ બહાર કઢાઈ

લગભગ 30 મિનિટની ભારે જહેમત બાદ ફાયરના જવાનોએ વરસાદી પાણીમા ફસાયેલ એમ્બ્યુલન્સને બહાર કાઢી હતી. ઘટનામા એમ્બ્યુલન્સમાં સવાર બંન્ને વ્યકિતનો આબાદ બચાવ થયો હતો. ઉલ્લેખનીય છે કે ઘટના બની ત્યારે એમ્બ્યુલન્સમા કોઈ દર્દી નહોતા, નહિ તો મોટી પરેશાનીનો સામનો કરવો પડ્યો હોત.

Related Post

Verified by MonsterInsights