રાજકોટ જિલ્લાના પશુપાલકો માટે સારા સમાચાર છે. જેમાં રાજકોટ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં વધારો કર્યો છે. રાજકોટ ડેરીએ દૂધમાં 20 રૂપિયાનો પ્રતિ કિલો ફેટમાં વધારો કર્યો છે.
દૂધ મંડળીઓને એક કિલો ફેટના રૂપિયા 700 ચુકવશે, જેમાં ડેરીએ પાછલા 50 દિવસમાં સતત ત્રીજીવાર ભાવ વધાર્યો છે. આ ભાવવધારાના કારણે દૂધ ઉત્પાદકોને કુલ 1.50 કરોડ રૂપિયા ચુકવાશે. રાજ્યમાં આ વર્ષે પડેલા ઓછા વરસાદના પગલે ઘાસચારાના ભાવમાં પણ વઘારો થયો છે.
તેમજ તેના લીધે પશુપાલકો માટે નિભાવ ખર્ચમાં પણ વધારો થયો છે. જેના પગલે ડેરીએ દૂધના કિલો ફેટના ભાવમાં વધારો કરવાની ફરજ પડી છે. ઉલ્લેખનીય છે કે, ડેરી એક ઇન્ડસ્ટ્રીઝ છે તેમાં દૂધના ખરીદ ભાવ નકકી કરતી વખતે અનેક પરીબળો અસરકર્તા છે.
જેમ કે દૂધની માંગ અને પુરવઠો, પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતા રોગચાળો, ઘાસચરો, ખોળદાણના ભાવો, કુદરતી પરીબળો જેમાં દુષ્કાળ, અતિવૃષ્ટિ જેવા પરિબળો ધ્યાનમાં રાખવામાં આવે છે.
આ ઉપરાંત ગરમી, ઠંડી વગેરે ઉપરાંત દૂધની આવક જાવક, દૂધના વેચાણના ભાવો, દૂધનું સ્થાનિક બજાર, દૂધ અને દૂધની બનાવટોના ભાવો વગેરે અનેક પાસાઓના ધ્યાનમાં રાખીને દૂધનો ખરીદ ભાવ ચૂકવવાનો નિર્ણય કરવામાં આવે છે. જેનો લાભ સામાન્ય રીતે પશુપાલકોને થતો હોય છે.