Mon. Nov 11th, 2024

પશ્ચિમ બંગાળમાં સરકારી સ્કૂલના શિક્ષકોએ શિક્ષા વિભાગની સામે જ ઝેરી પીણું પીધું

પશ્ચિમ બંગાળના કોલકાતામાં સરકારી સ્કૂલના પાંચ શિક્ષકે દૂરના વિસ્તારમાં કરવામાં આવેલી ટ્રાન્સફરના વિરોધમાં શિક્ષા વિભાગની સામે ઝેરી પીણું પી લીધું હતું. તેમની તબિયત લથડવાને કારણે તેમને હાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે પાંચમાંથી બે શિક્ષકની સ્થિતિ ગંભીર છે.

ફોરેન્સિક વિભાગની ટીમ નમૂના લેવા પહોંચી
શિક્ષકો દ્વારા લેવામાં આવેલા ઝેરના નમૂના લેવા માટે સાંજે ફોરેન્સિક વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. કોન્ટ્રેક્ટ પર કામ કરતા શિક્ષક અક્ય મુક્ત મંચે નોકરી સંબંધિત માગોને લઈને કોલકાતાના સોલ્ટ લેકમાં શિક્ષા વિભાગના બિકાશ ભવનની સામે દેખાવો કર્યા. પોલીસ ઘટનાસ્થળે પહોંચ્યા પછી શિક્ષકોએ માગ કરી કે તેમને શિક્ષામંત્રી બ્રત્ય બસુ સાથે મુલાકાત કરવા દેવામાં આવે. જોકે પોલીસે તેમને કોવિડના નિયમોની વાત કહીને જતા રોક્યા હતા. પછીથી શિક્ષકોની તેમની સાથે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. એ પછી તેમણે ભૂરા રંગની એક બોટલ કાઢી હતી અને એમાંથી ઝેરી પીણું પી લીધું હતું.

બ્રત્ય બોસને મળવાની માગ કરી
અહીં ઊભેલા લોકો અને સ્થાનિક મીડિયાની સમક્ષ એક વ્યક્તિએ કહ્યું હતું કે હું પુતુલ મંડલમાં છું. હું સૂર્ય શિશુ શિક્ષા કેન્દ્રમાં ભણાવું છું. મારું ઘર બક્ખાલી(દક્ષિણ બંગાળમાં) છે, મને કૂચ બિહાર(ઉત્તર બંગાળમાં)ના દિનહાટામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. અમે બ્રત્ય બોસને મળવા ઈચ્છીએ છીએ. જોકે અમને મળવા દેવાયા નહોતા. આ કારણે અમે ઝેરી પી રહ્યા છે. બંને શિક્ષકો શિખા દાસ અને જ્યોત્સના ટુડુને એનઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. જોકે તેમની તબિયત ગંભીર હોવાનું કહેવાઈ રહ્યું છે. પુતુલ જાના મંડલ, ચાબી દાસ અને અનિમા રોયને આરકે મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

શિક્ષકોએ સચિવાલય નબન્નામાં દેખાવો કર્યા
શિક્ષકોએ 18 ઓગસ્ટના રોજ રાજ્ય સચિવાલય નબન્નામાં દેખાવો કર્યા હતા, જે એક ઉચ્ચ સુરક્ષા ધરાવતો વિસ્તાર છે. સાલ્ટ લેકમાં દેખાવો કરી રહેલી મહિલાઓએ મંગળવારે દાવો કર્યો કે મુખ્યમંત્રી કાર્યાલયની બહાર દેખાવો કરવા પર તેમને સજા કરવામાં આવી રહી છે. ઘટના પછી રાજ્યના શિક્ષા મંત્રી બ્રત્ય બસુ ઘટનાસ્થળે પહોંચ્યા અને મામલાને લઈને અધિકારીઓ સાથે મુલાકાત કરી.

ઘટના દર્શાવે છે કે શિક્ષક કેટલા હતાશ છેઃ ભાજપ
તૃણમૂલના પ્રવક્તા કૃણાલ ઘોષે કહ્યું હતું કે અમને આશા છે કે શિક્ષક ઝડપથી સાજા થઈ જશે. જોકે આપણે એ પણ જોવાનું છે કે તેમણે કોઈના કહેવા પર કાર્યવાહી કરી. ભાજપના પ્રવક્તા સમિક ભટ્ટાચાર્યએ કહ્યું હતું કે આ ઘટના દર્શાવે છે કે અહીં લોકો કેટલા હતાશ થઈ રહ્યા છે, ખાસ કરીને શિક્ષક. આ કારણે સરકાર જવાબદાર છે. સરકારે બંગાળમાં શિક્ષકોની સ્થિતિ પર ધ્યાન આપવું જોઈએ. સરકાર નોકરીઓનું સર્જન કરવા કે ખાલી પદોને ભરવામાં નિષ્ફળ રહી. અમે શિક્ષકો ઝડપથી સ્વસ્થ થાય એવી પ્રાર્થના કરીએ છીએ.

Related Post

Verified by MonsterInsights