વડાપ્રધાન મોદી આજે સવારે માતા હીરાબાને મળ્યા બાદ પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં મોદીએ મહાકાળી માતાના દર્શન કરીને વિકાસ કામોનું લોકાર્પણ કર્યુું હતું અને ત્યાર બાદ શાસ્ત્રોક્ત વિધિનુસાર પૂજા-અર્ચના કરી હતી. ત્યાર બાદ વડાપ્રધાનના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.

ધ્વજારોહણની સાથે પાવાગઢ યાત્રાધામનો ગૌરવવંતો ઇતિહાસ જોડાયેલો છે.પાવાગઢ સાથે જોડાયેલા ઇતિહાસ મુજબ 500 વર્ષ અગાઉ પાવાગઢ પર મહંમદ બેગડાએ હુમલો કરીને પાવાગઢ ગઢ જીતી લીધો હતો.મહંમદ બેગડાએ પાવાગઢ મંદિરના શિખરને ખંડિત કરી દીધું હતું.

મંદિર પર દરગાહ બનાવી દેવામાં આવી હતી. આસ્થાના કેન્દ્ર એવા પાવાગઢ માતાજીના મંદિરના શિખર પર 538 વર્ષથી ધ્વજા ફરકાવી ન હતી. ત્યારે પાવાગઢનો વર્ષો જુનો ઇતિહાસ પાછો થશે. વડાપ્રધાન શનિવારે સવારે આવીને મંદિરમાં પૂજા અર્ચના કરશે. જયારે પીએમ મોદીનો વિરાસત વનનો કાર્યક્રમ કેન્સલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

પાવાગઢની ટોચ પર માતાજીના મંદિરનો સંપૂર્ણ કાયાકલ્પ કરવામાં આવ્યો છે. ગર્ભગૃહને બાદ કરતા આખું મંદિર નવેસરથી બનાવવામાં આવ્યું છે. અગાઉ મંદિરની પાછળ દરગાહ હતી જેને સમજાવટથી સર્વસંમતિ સાથે ખસેડવામાં આવી હતી. મુખ્ય મંદિર અને ચોકને વિશાળ બનાવતાં 2000 લોકો સાથે દર્શન કરી શકશે. માંચીથી રોપવે અપરસ્ટેશન સુધી 2200 પગથિયાં બનાવવામાં આવ્યાં છે.

જ્યારે અપર સ્ટેશનથી દુધિયા તળાવ સુધી 500 નવા પગથિયાં બનાવવામાં આવ્યાં છે. આગામી સમયમાં પાવાગઢ ખાતે યજ્ઞશાળાનું નિર્માણ કરાશે. સાથે જ દુધિયા તળાવથી મંદિર સુધી પહોંચવા માટે બે વિશાળ લિફ્ટ પણ બનાવવામાં આવશે. સાથે જ મંદિરના સમગ્ર સંકુલની પ્રદક્ષિણા થાય એ રીતે દુધિયા અને છાસિયા તળાવને જોડતા પ્રદક્ષિણા પથનું પણ નિર્માણ થશે.

By Jantanews360 Team

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page