Sun. Oct 13th, 2024

પેપર લીક કાંડમાં પોલીસને આરોપીના ઘરેથી 23 લાખ રોકડા મળી આવ્યા

twitter.com

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રવિવારના રોજ હેડ ક્લાર્કની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષા બાદ આમ આદમી પાર્ટી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા ઉંછાના ફાર્મ હાઉસ ખાતેથી આ પરીક્ષાનું પેપર લીક થયું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. તેમને એમ પણ જણાવ્યું હતું કે, પરીક્ષા પહેલા જ આ પેપર સોશિયલ મીડિયામાં ફરી રહ્યું હતું. ત્યારે આક્ષેપ બાદ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી અને આક્ષેપોના છ દિવસ પછી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ કરીને પેપર ફૂટ્યું હોવાની માહિતી આપી હતી.

હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવા બાબતે રોજે રોજ નવા ખુલાસાઓ થઇ રહ્યા છે. સાબરકાંઠા જિલ્લાના પોલીસવડા દ્વારા શનિવારના રોજ મીડિયાને માહિતી આપવામાં આવી હતી કે, પેપર લીક કાંડ સંડોવાયેલા આરોપી દર્શન વ્યાસની પાસેથી 23 લાખ રૂપિયા મળી આવ્યા હતા. આ પૈસા પોલીસને આરોપી દર્શનના ઘરે તપાસ કરતા મળ્યા હતા.

તેમને વધુમાં જણાવ્યું હતું કે, પેપર લીક કૌભાંડની સાથે સંડોવાયેલા એક પણ આરોપીને છોડવામાં આવશે નહીં. તમામની સામે કાર્યવાહી કરવામાં આવશે. 11 આરોપીમાંથી 8ની ધરપકડ થઇ ચૂકી છે તેમને પ્રાંતિજ કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી કરવામાં આવશે. આ પેપર લીક કૌભાંડ મામલે પોલીસ મુખ્ય આરોપીની શોધખોળ કરી રહી છે. તો બીજી તરફ આ કૌભાંડમાં કોઈ સરકારી કર્મચારી કે કોઈ રાજકીય નેતાની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

મહત્ત્વની વાત છે કે, પેપર લીક કાંડ ખાતે સંડોવાયેલા તમામ આરોપીઓની સામે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ કાંડમાં 11 આરોપીઓની સંડોવણી બહાર આવી અને તેમાંથી 8 આરોપીની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી છે. આ પેપર લીક કાંડમાં જે આરોપીઓ સંડોવાયેલા છે તેમાં જયેશ પટેલ, જશવંત પટેલ, દેવલ પટેલ, ધ્રુવ બારોટ, મહેશ પટેલ, ચિંતન પટેલ, કુલદીપ પટેલ, દર્શન વ્યાસ, સતીશ પટેલ, સુરેશ પટેલ અને મહેન્દ્ર પટેલનો સમાવેશ થાય છે.

આ પેપર લીક કાંડ મામલે એવી પણ માહિતી મળી રહી છે કે, જશવંત પટેલ અને તેના દીકરા દર્શન પટેલે તેને સસરા મહેન્દ્ર પટેલના ફાર્મ હાઉસમાં 5 પરીક્ષાર્થીઓને બેસાડીને પેપર સોલ્વ કરાવ્યું હતું. ત્યારબાદ તમામને રાખી રાત ફાર્મ હાઉસમાં રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત પાંચેય વિદ્યાથીઓને બીજા દિવસે પરીક્ષા કેન્દ્ર સુધી પણ પહોંચાડવામાં આવ્યા હતા.

Related Post

Verified by MonsterInsights