અમીત પટેલ:આજકાલ વાતચીતમાં લોકો કુદરત રૂઠી ગઈ લાગે છે, તેવું અનેક વખત બોલે છે. કોરોનાના ભયે સમગ્ર વિશ્ર્વને થંભાવી દીધું છે. ભારત સહિત દેશ-વિદેશમાં વસતાં અનેક ભારતીયો ભારતીય સંસ્કૃતિને અપનાવવા લાગ્યા છે. તેમાં પણ વળી ભારતીય રસોડામાં વપરાતા વિવિધ તેજાના-મસાલાનો ઉપયોગ પણ છૂટથી કરવા લાગ્યા છે. વિદેશમાં સ્થાયી થયેલા ભારતીયો એક સમય હતો જ્યારે રસોડામાં વપરાતા તેજાના-મસાલાનો ઉપયોગ કરવામાં પણ નાનપ સમજતાં હતા. તેઓ વિદેશી મસાલાની સાથે માખણ-ચીઝ, ફ્રોઝન ફૂડનો અતિશય ઉપયોગ કરવા લાગ્યા હતા. એક ચેપી રોગના રમખાણે દેશીની સાથે વિદેશી લોકોને પણ ભારતીય ભોજન, વસાણા તથા મસાલાના ઉપયોગના દિવાના બનાવી દીધા છે. બસ આવો જ એક મસાલામાં ગણના ધરાવે છે… ‘જેઠીમધ’.
વાસ્તવમાં તાજા જેઠીમધમાં પાણીની માત્રા વધુ હોય છે. તેને સૂકવણી બાદ તેમાં પાણીની માત્રા ફક્ત ૧૦ ટકા બચે છે. જેઠીમધના છોડની છાલને સૂકાવીની તેનો ઉપયોગ કરવામાં આવે છે. નામ પ્રમાણે જ સ્વાદમાં મધુર બળવર્ધક, હોવાની સાથે અનેક ઔષધિય ગુણોનો ભંડાર ધરાવે છે. મોટેભાગે પાનમાં તેનાં ચૂર્ણનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. શરદી-સળેખમ જેવી નાની વ્યાધિ હોય કે લાંબા સમયથી પરેશાન કરતી મોટી વ્યાધિમાં પણ ઉપયોગી સાબિત થઈ છે. સંસ્કૃતમાં યષ્ટીમધુક,મધુયષ્ટિ, જલયષ્ટિ, સ્થલ્યષ્ટિ, મધુક, હિન્દીમાં મુલેઠી, મુલહઠ્ઠી, મીઠી લકડી, ગુજરાતીમાં જેઠીમધ, બંગાળીમાં યષ્ટિમધુ કે જષ્ઠિમધુ, તેલુગુમાં અતિમધુરમ, મરાઠીમાં જેષ્ટિમધુ કે જેષ્ટમધ તથા અંગ્રેજીમાં સ્વીટુનડ કે ઈરકેસ્સ્સ તરીકે ઓળખાય છે. જેઠીમધમાં ગ્લિસરાઈઝિક નામક રસાયણ સમાયેલું છે. આથી જેઠીમધનો સ્વાદ ખાંડ કરતાં પણ અનેક ગણો વધુ મીઠો લાગે છે. આથી તેને લાંબા સમય સુધી ચૂસવાથી પણ શરીરને એનર્જી મળતી રહે છે….
જેઠીમધના ફાયદા:
કેલ્શિયમ, એન્ટિઑક્સિડન્ટ, ગ્લિસરાઈઝિક એસિડ, એન્ટિબાયોટિક, પ્રોટિનની માત્રા પ્રચૂર માત્રામાં સમાયેલી જોવા મળે છે….
ત્વચા-વાળને માટે ગુણકારી : જેઠીમધ તથા આમળાનું ચૂર્ણ લેવાથી વાળ સફેદ થતાં અટકે છે. વાળ લાંબા, કાળા તથા મજબૂત બને છે. જેઠીમધને ઘસીને કે તેના પાઉડરનો ઉપયોગ ચહેરા ઉપર કરવાથી ત્વચા નિખરે છે. લોહીને શુદ્ધ કરવામાં જેઠીમધ ગુણકારી છે….
શક્તિવર્ધક: જેઠીમધનો પાઉડર દૂધમાં ભેળવીને પીવાથી શરીરમાં શક્તિનો સંચાર થાય છે. વારંવાર થાક લાગવો કે શરીરમાં નબળાઈની વારંવાર ફરિયાદ રહેતી હોય તેમણે નરણાં કોઠે જેઠીમધના પાઉડરને મધ સાથે કે ગરમ દૂધમાં -પાણીમાં ભેળવીને પીવાથી શરીરમાં શક્તિનો સંચાર થાય છે…
મોઠામાં છાલા પડવા: પેટમાં ગરબડ, અપૂરતી ઊંઘ, વધુ પડતાં તળેલાં-મરીમસાલા વાળું ભોજન તથા કસમયે નાસ્તો કે જંકફૂડ ખાવાની આદત આજે યુવાનોમાં સામાન્ય વાત બની ગઈ છે. નાની વયમાં મોઢામાં ચાંદા પડવા કે છાલા પડવાની સમસ્યા વધવા લાગી છે. મોઢામાં તાત્કાલિક રાહત આપતું જેલ લગાવીને પણ જંકફૂડ ખાવાના શોખીનો અનેક છે. મોઢામાં ચાંદા પડવા તે સ્વાસ્થ્ય માટે પણ એલાર્મ સમાન છે. જેઠીમધની નાની લાકડીને મોઢામાં ચૂસવાથી તથા થોડી આહારમાં તકેદારી રાખવાથી મોટો લાભ થાય છે. જેઠીમધને સૂચવાથી શરીરમાં લિમ્ફોસાઈટ અને મેક્રોફેજ જેવા રસાયણ પેદા થાય છે, જેથી રોગપ્રતિકારક શક્તિ વધે છે….
અવાજને સુમધુર બનાવે છે : ગાયક કલાકારો હો કે નાટ્ય કલાકાર હોય કે ફિલ્મી કલાકારો હોય તેઓ બધા જ અવાજને સુરીલો બનાવવા માટે જેઠીમધનો ઉપયોગ કરતાં હોય છે. લાંબા સમય સુધી પ્રવચન આપનાર કથાકાર હોય કે કોમેન્ટેટર, રાજકારણી પણ ચૂંટણી વખતે વારંવાર ભાષણ આપતા હોય છે ત્યારે અવાજ બેસી ન જાય તે માટે જેઠીમધને ચૂસવાનું પસંદ કરે છે….
જેઠી મધમાં એન્ટિ-ઈન્ફેલમેટરી ગુણો : શરીરનાં વિવિધ અંગો ઉપર સોજો આવવો કે બળતરાની ફરિયાદ હોય તેમણે જેઠીમધનો ઉપયોગ કરવો જોઈએ. વારંવાર શરીરમાં વિકાર પેદા થતા હોય તેને દૂર કરવા માટે પણ જેઠીમધનો ઉપયોગ કારગર ગણાય છે….
આંખોનું તેજ વધારવામાં મદદરૂપ: આંખોમાં બળતરા થવી કે લાંબા સમય સુધી કૉમ્પ્યુટર કે ટેલિવિઝનની સામે બેસી રહેવાથી આંખો થકાવટ અનુભવે છે. જેઠીમધને ઉકાળીને તૈયાર કરેલ પાણીને ગાળીને આંખો ઉપર છાલક મારવાથી પણ ફાયદો થાય છે….
કૉલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ: અનેક સંશોધન બાદ જાણવા મળ્યું છે કે જેઠીમધનો ઉપયોગ કૉલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવામાં પણ મદદરૂપ થાય છે. તેનું મુખ્ય કારણ એન્ટિ ઈન્ફ્લેમેટરી ગુણો હોવાને કારણે શરીરની નાસિકાઓને નુકસાન થતું અટકાવે છે….
માનસિક તણાવ, શ્ર્વાસસંબંધિત તકલીફ કે ડાયાબિટીસના રોગમાં પણ જેઠીમધનો ઉપયોગ રામબાણ ઈલાજ છે. મજબૂત દાંત કે મોંની દુર્ગંધને દૂર કરવા માટે પણ આજકાલ ટૂથપેસ્ટમાં પણ જેઠીમધનો ઉપયોગ થવા લાગ્યો છે. વજનને નિયંત્રણમાં રાખવું હોય કે ત્વચાને ચમકદાર બનાવવાની ઈચ્છા હોય તેમણે જેઠીમધનો ઉપયોગ નિયમિત નરણાં કોઠે કરવો જોઈએ. કૅન્સરને લીધે થતી આડઅસરથી બચવા પણ જેઠીમધનો ઉપયોગ લોકપ્રિય થવા લાગ્યો છે. તેનું મુખ્ય કારણ જેઠીમધમાં મેગ્નેશિયમ, કૅલ્શિયમ, બીટા કેરોટિન જેવા ખનિજ છે જે માનસિક તાણથી બચાવવામાં મદદ કરે છે….
લાજવાબ મીઠાશ ધરાવતું જેઠીમધની વાવણી બાદ ત્રણથી ચાર વર્ષ બાદ તેનો પાક મળવા લાગે છે. જેઠીમધના મૂળિયા ઉખાડી નાખ્યા બાદ પણ બે વર્ષ સુધી તેનાં ઔષધિય ગુણો જાળવી રાખે છે. તાજા જેઠીમધમાં લગભગ અડધો ભાગ પાણીનો હોય છે. તેને સૂકવી નાખ્યા બાદ પાણીનો ભાગ માત્ર ૧૦ ટકા બચે છે. પહાડી પ્રદેશમાં તેની ખેતી મોટા પ્રમાણમાં થાય છે. જેઠીમધના મૂળિયા, ડાળખી-છાલ કે પાઉડરનો ઉપયોગ મોટા પ્રમાણમાં થાય છે. જેઠીમધનો પાક મુખ્યત્વે ઈરાન, અફઘાનિસ્તાન પાકિસ્તાન તથા ઉઝબેકિસ્તાનમાં થતો જોવા મળે છે. તેનો ટૂકડો ચૂસી શકાય છે.
ઊકળતાં પાણીમાં જેઠીમધનો પાઉડર કે ટૂકડો નાખીને ઉકાળીને તૈયાર કરેલ ચાને મધ ભેળવીને પી શકાય છે. જેઠીમધનો પાઉડર બનાવીને ગરમ પાણીમાં પી શકાય છે. સપ્તાહમાં ત્રણથી ચાર વખત એક ચમચી જેટલો લેવો સ્વાસ્થ્ય માટે હિતકારક છે. નિષ્ણાત આયુર્વેદાચાર્યની સલાહ બાદ જેઠીમધનો ઉપયોગ કરવો જોઈએ….