Tue. Sep 17th, 2024

ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ અને ટાટા સમૂહના સંસ્થાપક જમશેદજી ટાટા બન્યા સદીના સૌથી મોટા દાનવીર

ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ અને ટાટા સમૂહના સંસ્થાપક જમશેદજી ટાટા દેશના જ નહીં પરંતુ દુનિયાના સૌથી મોટા પરોપકારી છે. આ મામલે તેઓ બિલ અને મિલિન્ડા ગેટ્સ કરતા પણ આગળ છે. 100 વર્ષમાં દાન કરવાના મામલે તેમના જેવો કોઈ પરોપકારી આ દુનિયામાં થયો નથી. હુરુન રિસર્ચ અને એડેલગિવ ફાઉન્ડેશનની હાલમાં જ બહાર પડેલી સૂચિમાં આ ખુલાસો થયો છે.

નોંધનીય છે કે જમશેદજી ટાટા મીઠાથી લઈને સોફ્ટવેર સુધી બનાવનારા કારોબારી સમૂહ ટાટાના સંસ્થાપક હતા. તેમનો જન્મ 1839માં ગુજરાતના નવસારીમાં થયો હતો. વર્ષ 1904માં તેમનું નિધન થયું હતું. તેમને ભારતીય ઊદ્યોગના જનક કહે છે. તેમને મુખ્યત્વે શિક્ષણ અને સ્વાસ્થ્યના ક્ષેત્રમાં દાન કર્યું. તેમના પરોપકારી કાર્યોની શરૂઆત 1892માં જ થઈ ગઈ હતી. જ્યારે તેમણે ઉચ્ચ શિક્ષણ માટે JN Tata Endowment ની સ્થાપના કરી. આ સંસ્થા જ ટાટા ટ્રસ્ટનો પાયો બની.

હુરુન રિપોર્ટ અને એડેલગિવ ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરાયેલા ટોચના 50 દાનવીરોની સૂચિમાં ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ જમશેદજી ટાટા એક સદીમાં 102.4 અબજ અમેરિકી ડોલર (હાલ પ્રમાણે લગભગ 7.60 લાખ કરોડ રૂપિયા) દાન કરીને દુનિયાના સૌથી મોટા દાનવીર તરીકે ઊભરી આવ્યા છે. ટોપ ટેનની યાદીમાં એકમાત્ર ભારતીય તરીકે તેઓ સામેલ છે. આ રકમ રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીની કુલ નેટવર્થ 84 અબજ ડોલર, એટલે કે લગભગ 6.25 લાખ કરોડ ડોલર કરતા પણ વધુ છે.

હુરુન રિસર્ચ એન્ડ એડલગિવ ફાઉન્ડેશનના રિપોર્ટ મુજબ જમશેદજી ટાટાના નામ પર થયેલા દાનની રકમ ટાટા સન્સની લિસ્ટેડ કંપનીઓની કિંમતના 66 ટકા છે. ટાટાએ 1870ના દાયકામાં સેન્ટ્રલ ઈન્ડિયા સ્પિનિંગ વિવિંગ એન્ડ મેન્યુફેક્ચરિંગ કંપનીની શરૂઆત કરી હતી. ત્યારબાદ હાયર એજ્યુકેશન માટે J N Tata Endowment ની સ્થાપના કરી હતી. જે ટાટા ટ્રસ્ટની શરૂઆત હતી. ભારતના પહેલા પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુએ હંમેશા જમશેદજી ટાટાને ‘વન મેન પ્લાનિંગ કમિશન’ તરીકે યાદ કર્યા.

જમશેદજી ટાટા બાદ તેમના વારસાને સંભાળનારા રતન ટાટા પણ દાન આપવામાં મામલે પાછળ રહ્યા નથી. ગત વર્ષ માર્ચમાં ટાટા સમૂહે કોરોના સામે લડવા માટે 1500 કરોડ રૂપિયાનું દાન કર્યું હતું. જે ભારતીય બિઝનેસ પરિવારો દ્વારા કરાયેલા દાનમાં સૌથી વધુ રકમ હતી. હુરુનના અધ્યક્ષ અને મુખ્ય રિસર્ચર રુપર્ટ હુગવેર્ફે જણાવ્યું કે ‘ભલે અમેરિકી અને યુરોપીયન લોકો ગત શતાબ્દીમાં પરોપકારની સોચને લઈને હાવી રહ્યા હોય પરંતુ ભારતના ટાટા સમૂહના સંસ્થાપક જમશેદજી ટાટા દુનિયાના સૌથી પરોપકારી વ્યક્તિ છે.’

દાન આપવાના મામલે જમશેદજી ટાટા બિલ ગેટ્સ અને તેમના પૂર્વ પત્ની મિલિન્ડા ગેટ્સ જેવા અન્ય લોકોથી ઘણા આગળ છે. જેમણે 74.6 અબજ ડોલર દાન કર્યું છે. આ ઉપરાંત આ સૂચિમાં રોકાણકાર વોરેન બફેટ (37.4 અબજ ડોલર), જ્યોર્જ સોરાસ (34.8 અબજ ડોલર) અને જ્હોન ડી રોકફેલર (26.8 અબજ ડોલર)ના નામ સામેલ છે.

આ સૂચિમાં એકમાત્ર અન્ય ભારતીયોમાં વિપ્રોના પૂર્વ ચેરમેન અઝીમ પ્રેમજી પણ સામેલ છે. તેઓ યાદીમાં 12માં ક્રમે છે. જેમણે પરોપકારી કાર્યો માટે લગભગ 22 અબજ અમેરિકી ડોલર આપ્યા છે. સૂચિમાં 38 લોકો અમેરિકામાંથી, અને ત્યારબાદ બ્રિટન (5), ચીન (3)નું સ્થાન છે. કુલ 37 દાનદાતાનું મૃત્યુ થઈ ચૂક્યું છે. જ્યારે તેમાંથી 13 જીવિત છે. અઝીમ પ્રેમજી બીજા ભારતીય છે જે ટોપ-50 દાનવીરોની યાદીમાં સામેલ છે. તેમણે 2010માં ગિવિંગ પ્લેજ પર સાઈન કરી. ત્યારથી તેઓ વિપ્રોની કમાણીના 67 ટકા અઝીમ પ્રેમજી ફાઉન્ડેશનમાં ટ્રાન્સફર કરે છે. આ ફાઉન્ડેશન ગ્રામીણ વિસ્તારોમાં શાળાકીય શિક્ષણ પર કામ કરે છે. જેની વેલ્યૂ 1.5 લાખ કરોડ રૂપિયા છે. કોવિડ-19થી પહોંચી વળવા માટે પણ અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન અને વિપ્રોએ મળીને એક હજાર કરોડ રૂપિયાનું દાન કર્યું છે.

દુનિયાના ટોપના 50 દાનદાતાઓ મળીને વાર્ષિક 2.2 લાખ કરોડ રૂપિયા દાન કરે છે. 63 હજાર કરોડની સાથે મેકિન્ઝી સ્કોટ દર વર્ષે સૌથી વધુ દાન કરે છે. કોવિડ-19 માટે દાન કરનારામાં ફોર્ડ ફાઉન્ડેશન 7.4 હજાર કરોડ સાથે પહેલા નંબરે છે. ત્યારબાદ ડબલ્યૂ કે કેલોગ ફાઉન્ડેશન, એ ડબલ્યૂ મેલોન ફાઉન્ડેશન સામેલ છે. ટાટાએ 1500 કરોડ રૂપિયા કોરોના સામે લડવા માટે દાન કર્યા છે.

Related Post

Verified by MonsterInsights