Wed. Sep 11th, 2024

ભારત વિરુદ્ધ ડગલેને પગલે ષડયંત્ર રચનારા ચીને બ્રિક્સ શિખર સંમેલન આયોજિત કરવા મુદ્દે ભારતના પેટછૂટા વખાણ કર્યા

તેમણે કોરોના (Coronavirus) મહામારીને પહોંચી વળવા માટે ભારતને સમર્થન અને સહાયતાની રજૂઆત કરી.

ભારત વિરુદ્ધ ડગલેને પગલે ષડયંત્ર રચનારા ચીને બ્રિક્સ શિખર સંમેલન આયોજિત કરવા મુદ્દે ભારતના પેટછૂટા વખાણ કર્યા છે. ચીનના વિદેશમંત્રી વાંગ યી એ કહ્યું કે કોવિડ-19 મહામારી છતાં આ વર્ષે બ્રિક્સ શિખર સંમેલનના આયોજન માટે કરાયેલા ભારતીય પ્રયાસ પ્રશંસનીય છે. આ સાથે જ તેમણે કોરોના મહામારીને પહોંચી વળવા માટે ભારતને સમર્થન અને સહાયતાની રજૂઆત કરી.

જયશંકરે કરી અધ્યક્ષતા

ભારતના વિદેશમંત્રી એસ જયશંકર ની અધ્યક્ષતામાં બ્રિક્સના વિદેશમંત્રીઓની ઓનલાઈન બેઠકમાં પોતાના સંબોધનમાં વાંગ યીએ કહ્યું કે ‘કોવિડ-19ના પ્રભાવ છતાં બ્રિક્સ અધ્યક્ષ તરીકે ભારતે નિરંતરતા, એકીકરણ અને સહમતિ માટે અંતર બ્રિક્સ સહયોગના વિષય પર ધ્યાન કેન્દ્રીત કરતા પૂરેપૂરી લગનથી કામ કર્યું છે.’ તેમણે વધુમાં કહ્યું કે આ ત્રણ સ્તંભો પર સહયોગ આગળ વધારવા, બ્રિક્સ તંત્રને મજબૂત કરવા અને બ્રિક્સ સહયોગની ગતિ જાળવી રાખવા માટે સોથી વધુ કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યા છે.

ભારતને સમર્થન પર કરી આ વાત

ચીની વિદેશમંત્રીએ કહ્યું કે ચીન ભારતના પ્રયાસો માટે તેને બિરદાવે છે અને અમે બ્રિક્સ દેશો સાથે કામ કરવા માટે તૈયાર છીએ. જેથી કરીને ભારતને અધ્યક્ષ તરીકે સમર્થન આપી શકાય અને આ વર્ષના બ્રિક્રસ સહયોગમાં નક્કર પરિણામ સુનિશ્ચિત કરી શકાય. વાંગે પોતાના પ્રારંભિક સંબોધનની શરૂઆત કોવિડ-19 સંક્રમણની નવી લહેરના ગંભીર પ્રભાવોથી કરી.

કોરોના મહામારીને હરાવશે ભારત

વાંગ યીએ કહ્યું કે ‘આ મુશ્કેલ ઘડીમાં ચીન ભારત અને તમામ બ્રિક્સ દેશો સાથે એકજૂથતાથી પડખે છે. મારું માનવું છે કે ચીન સહિત તમામ બ્રિક્સ ભાગીદાર ભારતને આગળ પણ સમર્થન અને મદદ પ્રદાન કરશે અને અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે ભારત નિશ્ચિત રીતે આ મહામારી પર વિજય પ્રાપ્ત કરી શકશે. તેમણે એમ પણ કહ્યું કે તેઓ બેઠકમાં બ્રિક્સ દેશોના અન્ય મંત્રીઓ સાથે વિચારોનું આદાન પ્રદાન, સમન્વય, અને સામાન્ય સહમતિ બનાવવા માટે ઉત્સુક છે.’ અત્રે જણાવવાનું કે વર્ષ 2012 અને 2016 બાદ આ ત્રીજીવાર છે કે જ્યારે ભારત બ્રિક્સની અધ્યક્ષતા કરી રહ્યું છે.

 

Related Post

Verified by MonsterInsights