ટોક્યો ખાતે ચાલી રહેલી ઓલિમ્પિકની એથ્લેટિક્સમાં જેવલિન થ્રો રમતમાં ભારતને સૌ પ્રથમ ગોલ્ડ અપાવનાર નિરજ ચોપડાને રાજયના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અભિનંદન પાઠવ્યા છે.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે દેશના વડપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેલને વિશેષ મહત્વ આપીને દેશના રમતવીરોને તેમની પ્રતિભા ઉજાગર કરી શકે તેવુ પ્રોત્સાહક વાતાવરણ પેદા કર્યુ છે, તેના પગલે વૈશ્વિક એથ્લેટિક્સમાં દેશના રમતવીરો સારૂ પ્રદર્શન કરી રહ્યા છે.
નિરજ ચોપરાએ 2020 ટોક્યો ઓલિમ્પિકમાં જેવલિન થ્રોમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. એથ્લેટિક્સમાં ભારતનો આ પહેલો મેડલ છે. નિરજ ચોપરાએ આ ગોલ્ડ મેડલ જીત્યા પછી આ સફળતા મિલ્ખા સિંહને સમર્પિત કરી હતી. તેમણે કહ્યું હતું કે, આ મેડલ મિલ્ખા સિંહના નામે છે. આશા છે કે તેઓ સ્વર્ગમાંથી જોઈ રહ્યા હશે.