પર્વતીય વિસ્તારમાં યોજાયેલી મેરેથોનામાં 172 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જોકે ખરાબ હવામાનના કારણે સ્પર્ધકોના રસ્તામાં મોત થયા હતા. અત્યાર સુધીમાં મોતને ભેટેલા સ્પર્ધકોની સંખ્યા વધીને 21 થઈ ચુકી છે. બીજા સ્પર્ધકો સુરક્ષિત હોવાની વાતને સમર્થન મળ્યુ છે. જોકે આઠ દોડવીરો ઘાયલ પણ થયા છે.
મેરેથોનના રુટ પર બરફ સાથે વરસાદ અને ઝડપી પવન ફૂંકાયો
શનિવારે બપોરે અચાનક જ મેરેથોનના રુટ પર બરફ સાથે વરસાદ અને ઝડપી પવન ફૂંકાયો હતો. જેના પગલે તાપમાનનો પારો અચાનક ઘટી ગયો હતો. આમ સ્પર્ધકો માટે તકલીફ ઉભી થઈ હતી. કેટલાક સ્પર્ધકો લાપતા હોવાની ખબર પડ્યા બાદ મેરેથોનને રોકી લેવામાં આવી હતી.
લાપતા સ્પર્ધકોને શોધવા માટે અત્યાધુનિક ઉપકરણો સાથે 1200 લોકોની ટીમને ઉતારવામાં આવી હતી. રાત્રીના સમયે ફરી તાપમાનનો પારો ગગડી જતા બચાવ કામગીરીમાં અવરોધ આવ્યો હતો. જોકે એ પછી અત્યાર સુધીમાં 21 સ્પર્ધકોના મોત થયા હોવાની વાતને સમર્થન મળ્યુ છે.
મેરેથોનમાં ભાગ લેનારા સ્પર્ધકોના સ્પર્ધા દરમિયાન મોટી સંખ્યામાં મોત થાય તેવી ઘટના હેરાન કરનારી છે અને ચીનમાં આવુ થયુ પણ છે. મળતી વિગતો પ્રમાણે ઉત્તર પશ્ચિમ ચીનમાં 100 કિલોમીટરની ક્રોસ કન્ટ્રી મેરેથોન રેસ યોજાઈ હતી. આ દરમિયાન હવામાન ખરાબ થતા 21 દોડવીરોના મોત થતા લોકો આઘાતમાં છે. ચીનની સરકારી સમાચાર એજન્સીના કહેવા પ્રમાણે ગાંસુ પ્રાંતમાં યેલો રિવર સ્ટોન ફોરેસ્ટમાં મેરેથોનમાં દોડી રહેલા લોકોને તેજ હવાઓ અને બરફ સાથેના વરસાદનો સામનો કરવો પડ્યો હતો.