મોરબી:આજે મચ્છુ 2 ડેમ જળહોનારતની 42મી વરસી છે, જેમણે ભોગવ્યું છે કે સ્વજનો ગુમાવ્યા છે તેઓ તો આ તારીખ ક્યારેય નહીં ભૂલી શકે પરંતુ આજે એ પીડા,વેદના, તકલીફો, યાતના અને દર્દને યાદ કરાવવાને બદલે એ આપદાને અવસરમાં બદલી લોકોએ જે હિંમતનો પરચો બતાવ્યો, શૂન્યમાંથી સર્જન કરી બેઠાં થયા અને બેસી રહેવાને બદલે દોડતાં થઇને દેશમાં અને વિશ્વમાં પોતાનું જે સ્થાન અંકિત કર્યું એ વિકાસની ગાથા સાથે નમન કરવાનો પ્રયાસ છે.
એક રાતમાં એ શહેર હતું ન હતું થઇ ગયું, પરંતુ એ પછીના 42 વર્ષમાં આ શહેરે જે મેળવ્યું, પ્રગતિ કરી એ એક કેસ સ્ટડી છે. વીતી ગયેલા દુ:ખને સતત ગાણાં ગાઇને વગોવ્યા કરવાને બદલે આ શહેરે દરેક ગામ, નાના મોટા શહેરને પ્રેરણા પુરી પાડી કે જો હૈયે હોય હામ તો પહોંચાય હિમાલય સુધી.
ઉદ્યોગ
પહેલા : જળહોનારત પહેલા મોરબીમાં જીનિંગ-પ્રેસિંગ, ઓઇલ મીલ, ઘડિયાળ, નડિયા અને પરશુરામ પોટરી મુખ્ય વ્યવસાય હતા તે ખૂબ નાના પાયા પર કાર્યરત હતા મચ્છુ હોનારતમાં આ ઉદ્યોગોને ખૂબ નુકસાન થયું હતું
આજે : મોરબીમાં આજે 800થી વધુ સિરામિક ફેક્ટરી છે. માત્ર સિરામિક ઉદ્યોગનું વાર્ષિક ટર્ન ઓવર 45 હજાર કરોડથી વધુ છે મોરબીમાં 42 ક્રાફ્ટ અને ડુપ્લેક્ષ પેપર મિલો છે જેનું પાંચ હજાર કરોડથી વધુ ટર્નઓવર છે હાલમાં 100થી વધુ પોલીપેક ફેક્ટરીઓ છે જેનુ ટર્ન ઓવર વાર્ષિક 5000 કરોડ થાય છે આ ઉપરાંત 300 પેકેજીંગ યુનિટ છે આ ઉદ્યોગનું ટર્નઓવર વાર્ષિક 3 હજાર કરોડથી વધુ થાય છે હાલ ઘડિયાળના પણ નાના-મોટા મળી 125 કારખાના કાર્યરત છે.
ઈન્ફ્રાસ્ટ્રક્ચર
પહેલા : જળ હોનારત પહેલા મોરબીમાં દરબારગઢ મણીમંદિર જુલતોપુલ અને પાડાપુલ જેવા અનેક સ્થાપત્યો હતા જે મોરબીના જુદા જુદા રાજવીઓએ બનાવ્યા હતા આ ઉપરાંત મોરબીની શાન સમા ગ્રીન ટાવર અને લોઇડ ગેટ એટલે કે આજનો નગર દરવાજો પણ રાજાશાહી વખતમાં બનેલા હતા જેમાં ઘણા બધા સ્થાપત્યોને હોનારતમાં નુકસાન થયું હતું
આજે : મોરબીમાં વિશાળ માર્કેટ યાર્ડ, નવો મયુર બ્રિજ ઉપરાંત ત્રાજપર ઓવરબ્રિજ અને માળીયા ફાટક ઓવર બ્રિજ બની ચૂક્યા છે તે ઉપરાંત હાલમાં ભક્તિનગર સર્કલ અને નવલખી ફાટક પર ઓવર બ્રિજ બની રહ્યા છે તો બીજી તરફ મહેન્દ્રનગર ચોકડી અને નટરાજ ફાટક પર તથા વજેપર વિસ્તારના ઓવર બ્રિજ મંજૂર થઈ ગયેલા છે.
રોજગારી
પહેલા : 1979 પહેલા ઉધોગોનું ઉત્પાદન ક્ષમતા ઓછી હોવાના કારણે રોજગારી ઓછી થતી આ ઉપરાંત વેપાર-વાણિજ્ય પેઢીઓમાં રોજગારી હતી તે પણ સ્થાનિક રોજગારી હતી
આજે : સિરામિક ઉદ્યોગમાં જ બે લાખ કામદાર કામ કરે છે જેમાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળના લોકો પણ રોજગાર અર્થે આ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. ઘડિયાળ ઉદ્યોગમાં 18000માંથી 15000 બહેન કામ કરે છે જે નારી સશક્તિકરણ અને મહિલા રોજગારનું શ્રેષ્ઠ ઉદાહરણ છે
સિંચાઈ
પહેલા : મોરબીમાં જે તે વખતે મચ્છુ 2 ડેમ તૂટ્યો હતો જે જૂની શૈલીથી બાંધવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યુ છે.
આજે : મચ્છુ 2 ડેમ નવી ટેકનોલોજી અને વધુ દરવાજા સાથે બનાવાયેલો છે તે ઉપરાંત મચ્છુ 3 ડેમ બનાવવામાં આવ્યો છે આ ઉપરાંત ઘોડાદ્રી ડેમ ડેમી ટુ અને ડેમી ત્રણ મોટા ડેમો બાંધવામાં આવ્યા છે જ્યારે 400 જેટલા ચેકડેમો કે બોરીબંધ ડેમો અને કેનાલ બનાવવામાં આવી છે આ ઉપરાંત મોરબી તાલુકામાં નર્મદાનું પાણી આવી રહ્યું છે.
શિક્ષણ
પહેલા : મોરબીમાં મિડલ સ્કૂલ તથા વક્તુલા ચેરીટેબલ હાઇસ્કુલ અને લખધીરજી એન્જીનીયરીંગ કોલેજ રાજાશાહી વખતમાં બનેલા હતા તો બાદમાં મહારાજા મહેન્દ્રસિંહ સાયન્સ કોલેજ, હંટર કોલેજ, જી જે શેઠ કોમર્સ કોલેજ, યુ.એન મહેતા આર્ટસ કોલેજ, રાષ્ટ્રીય શાળા, ગર્લ્સ હાઈસ્કુલ, દોશી હાઈસ્કુલ, બોયઝ હાઈસ્કુલ જેવી શૈક્ષણિક સંસ્થા હતી
આજે : મોરબીમાં આજે 75થી વધુ ખાનગી પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળા છે ઉપરાંત સાયન્સ આર્ટસ અને કોમર્સ લો એન્જિનિયરિંગ એજ્યુકેશન મેનેજમેન્ટ મળી 4 સરકારી કોલેજ અને ખાનગી 25 ગ્રાન્ટ ઇન એઇડ ખાનગી કોલેજો કાર્યરત છે જ્યારે મેડિકલ કોલેજને મંજૂરી ગઈ હોવાથી ટૂંક સમયમાં એ પણ શરૂ થઈ જશે.
વહીવટ
પહેલા : એ સમયે મોરબી તાલુકો હતો તેથી તાલુકા કક્ષાની અનેક કચેરીઓ આવેલી હતી અને તે સમયે મોટાભાગના કામ માટે લોકોને રાજકોટ જવું પડતું હતું આ ઉપરાંત માત્ર એક પોલીસ સ્ટેશન હતું અને કોર્ટની સંખ્યા પણ ખૂબ ઓછી હતી.
આજે : મોરબી જિલ્લો બની ગયો છે જિલ્લા સેવા સદન, જિલ્લા પંચાયત તથા એસપી ઓફિસ નવી બનાવેલી છે આ ઉપરાંત તાલુકા સેવાસદનનું પણ મોટું બિલ્ડિંગ છે કોર્ટ પરિસર અલગ બનાવાયેલ છે ત્રણ પોલીસ સ્ટેશન છે અને હાલમાં નગરપાલિકા કચેરી તથા પોલીસ હેડકવાર્ટર નવા બની રહ્યા છે અને મોરબીમાં વિવિધ વિભાગો મળીને ૧૦૦ થી વધુ કચેરીઓ કાર્યરત છે