મોરબી : ઓનલાઈન પેમેન્ટ કરવાનું કહી રૂપિયા 5000 ટ્રાન્સફર કરી લેતા એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ અરજી

0 minutes, 0 seconds Read

મોરબી: હાલ ઓનલાઈન પેમેન્ટની વ્યવસ્થા લોકોની સુવિધા વધારનારી બની છે તો સાથોસાથ ઓનલાઈન ફ્રોડ કરવાની અવનવી તરકીબો અપનાવતા ચીટરોને કારણે ક્યારેક દુવિધારૂપ પણ બની છે. ઓનલાઈન ફ્રોડનો આવો જ એક કિસ્સો મોરબીમાંથી સામે આવ્યો છે જેમાં લેબોરેટરી સંચાલક સાથે આર્મીમેન જવાનોના સેમ્પલ લેવાના નામે ઓનલાઈન છેતરપિંડી કરવામાં આવતા ચકચાર જાગી છે, આ મામલે હાલમાં એ ડિવિઝન પોલીસમાં અરજી થઈ છે.

ઓનલાઈન છેતરપીંડીનો ભોગ બનેલા મોરબીના એક લેબોરેટરી સંચાલકે એ. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોતાની સાથે થયેલી ઓનલાઈન છેતરપીંડીને લઈને અરજી કરી છે. બનાવની પુરી વિગત જોઈએ તો, મોરબીના એક લેબોરેટરી સંચાલકને કોઈ અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. જેમાં વાત કરનાર વ્યક્તિએ પોતાની ઓળખ એક આર્મીમેન તરીકે આપી પોતાને લોહીના અમુક તમુક રિપોર્ટ કરાવવાના છે તેવું જણાવી બ્લડ સેમ્પલ કલેક્ટ કરવા માટે આવી જવા કહ્યું હતું. આ માટે લેબ. ટેક્નિશિયનને ઉમિયાનગર, ગોકુલનગરનું સરનામું આપી ત્યાં આવી જવા માટે જણાવ્યું હતું. આ સરનામાંવાળું સ્થળ વ્યવસ્થિત મળી જાય એ માટે ફોન કરનાર બબલુસિંઘ નામના વ્યક્તિએ ગુગલ લોકેશન પણ મોકલ્યું હતું.

જો કે, લેબ. ટેક્નિશિયન ઉક્ત સ્થળે ગયા બાદ સરનામાં મુજબનું સ્થળ જ મળ્યું ન હોય લેબ. ટેક્નિશિયને ફોન કરતા ફોન આઉટ ઓફ રિચ બતાવતો હોય તેઓ લેબ પર પરત ફર્યા હતા. ત્યારબાદ બબલુસિંગનો ફોન સામેથી જ આવ્યો અને બ્લડ ટેસ્ટ માટેના રૂપિયા તેઓ ગૂગલ પે મારફતે લેબોરેટરીના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી રહ્યા છે એમ જણાવી સૌ પ્રથમ પાંચ રૂપિયા અને પછી 10 રૂપિયા લેબ.ના ગૂગલ પે એકાઉન્ટ પર ટ્રાન્સફર કર્યા. ટ્રાન્સફરની આ રકમ ઍક્સેપ્ટ કર્યા બાદ એ પાંચ અને દસ રૂપિયા બબલુસિંગના એકાઉન્ટમાં પરત જતા રહ્યા બાદ બબલુસિંઘે 5000 રૂપિયા લેબોરેટરી ટેક્નિશિયનનાં એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા. લેબ. ટેક્નિશિયને આ 5000 રૂપિયાની પેમેન્ટ રિકવેસ્ટ ઍક્સેપ્ટ કરી કે તરત જ તેના એકાઉન્ટમાં અગાઉથી જમા પડેલી રકમમાંથી જ 5000 રૂપિયા બબલુસિંગનાં એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જતા લેબ. ટેક્નિશિયન ચોંકી ઉઠ્યા હતાં.

આ અંગે લેબ. ટેક્નિશિયને ફોન કરતાં અને 5000 રૂપિયા ફરી પાછા પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાનું જણાવતા ફોન પર બબલુસિંગ નામની વ્યક્તિ અભદ્ર ભાષા પર ઉતરી આવ્યો હતો. આથી લેબ. ટેક્નિશિયનને પોતાની સાથે છેતરપીંડી થઈ હોવાનો ખ્યાલ આવી ગયો હતો. નવતર પ્રકારની ઓનલાઈન છેતરપીંડીનો ભોગ બનનારે આ બનાવની જાણ મોરબી એ.ડીવી. પો. સ્ટે.માં કરતા પોલીસે અરજીને આધારે સાયબર ક્રાઈમ હેઠળ બનાવની તપાસ આદરી છે.

ભોગ બનનાર સાથે મોરબી અપડેટની વાતચીત દરમ્યાન તેઓએ જણાવ્યું હતું કે ફ્રોડમાં ગયેલી રકમ મામુલી છે પણ અન્ય લોકો આવી ઓનલાઈન છેતરપીંડીનો ભોગ ન બને એ હેતુથી પોલીસમાં જાણવાજોગ અરજી કરી છે. આર્મીમેનના નામે બ્લડ ચેક કરાવવાના ફોન અન્ય કોઈ લેબ.ને આવે તો ગુગલ પે મારફત પેમેન્ટ સ્વીકારતા પહેલા સાવચેત રહેવાની અપીલ પણ ફ્રોડનો ભોગ બનનાર લેબ.ટેક્નિશિયને લોકોને કરી છે. સાથોસાથ જે નંબરો પરથી ફોન આવ્યા હતાં એ નંબર 9919573032, 9670434047, 8357931548 અને 8816865337 નોટ કરી સાવધ રહેવા જણાવ્યું છે.

 

author

Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights