રાજ્યમાં કોરોનાની સ્થિતિ સામાન્ય બનતા સરકાર દ્વારા ST બસને 100 ટકા કેપેસિટી સાથે શરૂ કરી દેવામાં આવી છે. જોકે હજી ગામડાઓના ઘણા રૂટ પર બસ શરૂ થઈ શકી નથી. જેના કારણે ચોમાસાની ઋતુમાં મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
મુસાફરોએ ખાનગી વાહનોમાં બેસવાનો વારો આવ્યો છે. સામે ખાનગી વાહનો મનફાવે તેટલા મુસાફરો ભરે છે. ત્યારે લોકો આ મામલે કહી રહ્યા છે કે સરકાર દ્વારા અંતરિયાળ અને ગામોના રૂટની બસો શરૂ કરવી જોઈએ. ખાનગી વાહનો મનફાવે તેમ પૈસા અને મનફાવે તેટલા લોકો બેસાડે છે.
ખચોખચ વાહન ભરી દેવામાં આવે છે. સોશિયલ ડિસ્ટન્સનું સરેઆમ ઉલ્લંઘન થાય છે. ત્યારે સરકારે આ મામલે વિચારી મુસાફરોની હિતમાં નિર્ણય લેવો જોઈએ. વધુમાં ખાનગી વાહનોની મુસાફરી પણ સેફ નથી. જ્યારે ST બસમાં લોકો સલામત સવારી પણ કરી શકે છે.
ખાનગી હોટલો પર સ્ટોપેજ
આ સિવાય મુસફારોએ એક મહત્વનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. મુસાફરોનું કહેવું છે કે ST બસના કેટલાક ડ્રાઈવર ખાનગી હોટલોમાં બસો ઉભી રાખે છે. ખાનગી હોટલો પણ પોતાનો ચાર્જ ચડાવી ઉઘાડી લૂંટ ચલાવે છે. પોતાના ઓળખીતા અથવા કમિશનની લ્હાયમાં આ વસ્તુ બની શકે છે.
મુસાફરે જણાવ્યું કે, જો બસ ST બસ સ્ટેશનમાં બ્રેક માટે 10 કે 15 મિનિટ ઉભી રહે તો કોઈ વ્યક્તિ કદાચ લેટ થયો હોય તો તેને બસ મળી જાય. ખાનગી હોટલોમાં બ્રેક માટે ઉભા રહેવાથી કોઈ મુસાફરને લાભ થતો નથી. ઉલટા મુસાફરો લૂંટાય છે. હા ચોક્કસ ડ્રાઈવર-કંડક્ટરને લાભ થતો હોઈ શકે છે.
મુસાફરે જણાવ્યું કે, સરકાર દ્વારા વ્યવસ્થિત સુવિધા મળી રહે તે માટે મોર્ડન બસ સ્ટેશન બનાવવામાં આવ્યા છે. પરંતુ કેટલીક બસો ત્યાં માત્ર આવીને તરત જ નીકળી જાય છે. 5 મિનિટ પણ બસ સ્ટેશન પર સ્ટોપેજ કરતા નથી અને બ્રેક માટે ખાનગી હોટલોમાં બસને ઉભી રાખવામાં આવે છે.
મુસાફરનું કહેવું છે કે, આના કારણે મુસાફરને સરકાર દ્વારા ઉભી કરાયેલી વ્યવસ્થાનો કોઈ લાભ મળી રહ્યો નથી. મુસાફરોને તો નુકસાન છે જ સામે સરકારને પણ તેટલું નુકસાન છે માટે ખાનગી હોટલોમાં બસ ઉભી રાખવાના બદલે જો બસ સ્ટેશન પર બસને 10 કે 15 મિનિટનું સ્ટોપેજ મળે છે તો તે બધાના હિતમાં છે.
કોરોનાકાળ બાદ 100 ટકા કેપેસિટ સાથે બસો શરૂ કરતા ST વિભાગની આવકમાં વધારો થયો છે. તેમાં પણ ખાસ કરીને પર્યટન સ્થળોએ જતી બસો હાઉસફુલ જોવા મળી રહી છે. આ રૂટમાં ઘસારો વધતા બસોની ટ્રીપ પણ વધારવામાં આવી છે. જેના કારણે ST વિભાગને સારી આવક થઈ રહી છે.