યુટ્યુબ પર વીડિયો જોઈ અમદાવાદના 5 બેરોજગાર યુવાનોએ પૈસા કમાવવા નકલી નોટો બનાવીને માર્કેટમાં ફેરવી,SOGએ કરી ધરપકડ

0 minutes, 3 seconds Read

અમદાવાદ:દેશના અર્થતંત્રને છીન્નભીન્ન કરવાના ડુપ્લીકેટ ચલણી નોટોનું કૌભાંડ હજુ પણ અટકવાનું નામ લેતું નથી. ગુજરાતના જુદા જુદા પ્રાંતોમાંથી અવાર નવાર ડુપ્લીકેટ ચલણી નોટો ઝડપાઇ રહી છે. શોર્ટકટમાં પૈસા કમાવવાની લાલચમાં દેશભરમાં નકલી ચલણી નોટોનું નેટર્વક ફૂલ્યે ફાલ્યું છે. ગઇકાલે અમદાવાદમાં SOG ક્રાઇમ બ્રાન્ચે 26 લાખથી વધુની નકલી ચલણી નોટો સાથે પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

એક બાજુ ગુજરાતમાં છેલ્લા એક મહિનામાં 25 હજાર કરોડથી વધુનું ડ્રગ્સ પકડાયું છે. ત્યારે બીજી બાજુ દેશના અર્થતંત્રને તોડવા માટે પણ કેટલાક દેશ વિરોધી પ્રવૃત્તિ કરનારા તત્વોએ પાકિસ્તાન અને બાંગ્લાદેશથી નકલી ચલણી નોટ દેશમાં ઘુસાડવાનું અને દેશમાં નકલી ચલણી નોટ છાપવાનું કામ શરૂ કરતા સુરક્ષા એજન્સીઓ ચોંકી ઉઠી હતી.

દેશના અર્થતંત્રને ખોખલું કરવાના એક પ્લાનનો અમદાવાદ SOGએ સાબરમતી વિસ્તારમાંથી પર્દાફાશ કરી 5 આરોપીઓને 2.26 લાખની ચલણી નોટો સાથે ઝડપી પાડ્યા છે. નકલી ચલણી નોટ બજારમાં ફરતી કરવા માટે આ પાંચેય શખ્સ નીકળ્યા હતા જેમને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે.

સમગ્ર ઘટનાની વાત કરીએ તો, SOG ક્રાઈમના PI એડી પરમાર – PSI પી.કે. ભુત તેમજ તેમની ટીમના પો.કો. લક્ષમણસિંહ રાણા, કેતન પરમાર, નિકુંજ ચક્રવર્તી, ગિરીશ ચૌધરીને બાતમી મળી હતી કે ‘સાબરમતી વિસ્તારમાં આવેલ સી.એન.જી પેટ્રોલ પમ્પ નજીક કેટલાક ઇસમો નકલી નોટો રાખી તેને વટાવવા ઇરાદે ફરી રહ્યા છે. આ અંગેની બાતમી મળતા SOG ક્રાઇમ બ્રાન્ચે ઘટનાસ્થળે વોચ ગોઠવી 5 યુવકો નકલી ચલણી નોટ સાથે ઝડપી પાડ્યા હતા.

SOG ક્રાઇમ બ્રાન્ચના પ્લાન મુજબ, ડમી ગ્રાહક નકલી નોટ છાપતા યુવકોને મળ્યો હતો. જેમાં બે લાખ રૂપિયાની સામે 5 લાખ રૂપિયાની નકલી નોટ આપવાનું નક્કી થયું હતું. જ્યારે આ 5 યુવકો નકલી ચલણી નોટ લઈને આવ્યા અને ડમી ગ્રાહક સાથે ડીલ કરતા હતા તે સમયે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી આ પાંચેય શખ્સની ધરપકડ કરવામાં આવી હતી.

SOG ક્રાઈમે સાબરમતી વિસ્તારમાં આવેલી કીર્તિધામ સોસાયટીમાં રહેતા પરાગ ઉર્ફે પકો વાણિયા, બહેરામપુરા વિસ્તારના પાર્ક એવન્યુમાં રહેતા હરેશ ઉર્ફે સલમાન ડાભાણી, ચાંદખેડાના ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેતા વિજય ડાભાણી તેમજ નારોલમાં રાજીવનગર સોસાયટીમાં રહેતા કિરણ અને દિવ્યાંગ ડાભાણીની ધરપકડ કરી હતી.

આ પાંચેય શખ્સ પાસેથી પોલીસે 500ના દરની 414 નકલી ચલણી નોટ જ્યારે 100ના દરની 196 નકલી ચલણી નોટ મળી કુલ 2.26 લાખની ચલણી નોટો જપ્ત કરી છે. પોલીસ હાલમાં તેમની પૂછપરછ કરી રહી છે અને આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બેકારીમાં પૈસા કમાવવા નકલી નોટો છાપવાનો બનાવ્યો પ્લાન – DCP મુકેશ પટેલ

SOG ક્રાઈમના DCP મુકેશ પટેલે જણાવ્યું કે, શોર્ટકટથી રૂપિયા કમાવવા માટે પાંચેય યુવકોએ નકલી ચલણી નોટ બનાવીને બજારમાં ફરતી કરવાનો પ્લાન બનાવ્યો હતો. આરોપીઓ નારોલમાં એક પ્રિન્ટીંગ મશીનમાં નોટો છાપતા હતા. જેમાં માસ્ટર માઇન્ડ રાગ ઉર્ફે પકો વાણિયા છે. પહેલા પાંચેય યુવકોએ એક મકાનમાં ચલણી નોટ પ્રિન્ટ કરવાનું શરૂ કર્યું અને તેમણે બજારમાં તેનો ઉપયોગ કર્યો. એક વખત બજારમાં નોટનો ઉપયોગ થતા તેમની હિંમત વધી અને ત્યારબાદ તેમણે આ ગોરખધંધામાં ઝંપલાવવાનું નક્કી કર્યું.

author

Jantanews360 Team

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights