કેન્દ્ર દ્વારા મોટા ઉપાડે રસીકરણ મહાઅભિયાનની શરૂઆત કર્યાના થોડા જ દિવસમાં સરકારી કેન્દ્રો પર રસીકરણ બંધ છે તેવા પાટિયા ઝુલી રહ્યાં છે તો બીજી તરફ ખાનગી હોસ્પિટલોમાં રસીકરણનો પૂરજોશમાં વેપાર ચાલી રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી ખાનગી હોસ્પિટલોમાં ચાર લાખ કરતાં વધુ લોકોને રસી અપાઇ ચૂકી છે. મહત્વની વાત તો એ છે કે રાજ્યની ખાનગી હોસ્પિટલોમાં અંદાજે રૂ. 34 કરોડની કોવિશિલ્ડ, કોવેક્સિન, સ્પૂતનિક રસીનું વેચાણ થયું છે, જેમાં ખાનગી હોસ્પિટલોએ રૂપિયા 6 કરોડનો નફો થયો છે.
કેન્દ્ર તરફથી આવતા કુલ રસીના જથ્થા પૈકી 75 ટકા રસી સરકારી રસીકેન્દ્રોને ફાળવવામાં આવે છે, જયારે 25 ટકા પ્રાઇવેટ સેક્ટરને આપવામાં આવે છે. રસીકરણને વેગવંતુ બનાવવા રાજ્ય આરોગ્ય વિભાગે ઉદ્યોગો, કંપનીઓ ઉપરાંત જીઆઇડીસીને પોતાના ફંડ મારફતે ખાનગી હોસ્પિટલના માધ્યમથી કર્મચારીઓને રસી આપવાનુ અભિયાન શરૂ કર્યું છે, જે હેઠળ ખાનગી હોસ્પિટલોમાં કુલ 4.06 લાખ લોકોને રસી આપવામાં આવી છે. આ હોસ્પિટલોમાં રૂા.740ના ભાવે કોવિશિલ્ડ , રૂા.1440ના ભાવે કોવેક્સિન અને રૂા.1145ના ભાવે સ્પૂતનિક-વી રસી અપાઈ છે. રાજ્યના 17 શહેરોમાં 315 સ્થળોએ ખાનગી હોસ્પિટલોમાં નાણાં આપીને રસી આપવામાં આવી રહી છે.
ગુજરાતને કોરોનામુક્ત બનાવવા રસીકરણને વેગવંતુ બનાવવા આરોગ્ય વિભાગ સક્રિય બન્યુ છે ઉદ્યોગો, ખાનગી કંપનીઓ ઉપરાંત જીઆઇડીસીને રસીકરણ માટે સક્રિય ભૂમિકા ભજવવા સૂચના અપાઇ છે ત્યારે વધુ 6 લાખ રસીના ડોઝનો ઓર્ડર નોંધાવાયો છે. આગામી દસેક દિવસમાં સિરમ ઇન્સ્ટિટયુટ, ભારત બાયોટેક રસીનો જથ્થો ગુજરાત મોકલે તેવી શક્યતા છે.
થોડાક દિવસો પહેલા જ આરોગ્ય વિભાગ અને ઉદ્યોગ વિભાગની સંયુક્ત બેઠક મળી હતી, જેમાં ચેમ્બર ઓફ કોમર્સના અગ્રણીઓ સહિત વિવિધ કંપનીઓના માલિકો,એમડી ઉપસ્થિત રહ્યા હતાં. એટલું જ નહીં, બધા ઉદ્યોગો,કંપનીઓ ઉપરાંત જીઆઇડીસીને ફંડમાંથી કાયમી-હંગામી કર્મચારી ઉપરાંત તેમના પરિવારજનોને રસી અપાવવા લક્ષ્યાંક અપાયો છે. આમ, ગુજરાતમાં ઉદ્યોગો-ખાનગી કંપનીઓએ સામાજીક જવાબદારી સમજી રસીકરણને વેગવાન બનાવ્યુ છે.