ઝારખંડની રાજધાની રાંચીમાં એક મહિલા ઈન્સ્પેક્ટરને પીકઅપ વાને કચડીને હત્યા કરી નાખી. આ મામલો જિલ્લાના તુપુદાના ઓપી વિસ્તારના હુલહંડુનો છે, જ્યાં વાહન ચેકિંગ દરમિયાન 2018 બેચના ઈન્સ્પેક્ટર સંધ્યા ટોપનોને પશુઓથી ભરેલી પીકઅપ વાનના ડ્રાઈવરે કચડી નાખ્યા હતા. જેના કારણે ઈન્સ્પેક્ટરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઘટનાની માહિતી મળતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે.
ઉલ્લેખનીય છે કે, સિમડેગા પોલીસને ગૌતસ્કર સિમડેગા પાસેથી પીકઅપ વાનમાં પશુઓની તસ્કરી થઈ રહી હોવાની બાતમી મળી હતી.જે બાદ સિમડેગાના બસિયા પોલીસ સ્ટેશને પીકઅપ વાનનો પીછો કર્યો હતો. પોલીસે જ્યાં બેરિયર મુક્યું હતું ,ત્યાં ચાલક તેને તોડીને ભાગી ગયો હતો. ત્યારબાદ ખુંટી પોલીસને જાણ કરાતા પોલીસ દોડી ગઈ હતી. જે બાદ સિમડેગા પોલીસે રાંચી પોલીસને માહિતી આપી.
નોંધનીય છે કે, રાંચી પોલીસે ખુંટી રાંચી બોર્ડરના ટુપુદાના ઓપી વિસ્તારના હુલહંડુ પાસે ચેકિંગ હાથ ધર્યું હતું. જે દરમિયાન 3 વાગ્યા આસપાસ સફેદ કલરની પીકઅપ વાન ખૂબ જ ઝડપથી આવતી જોવા મળી હતી. સબ-ઇન્સ્પેક્ટર સંધ્યા ટોપનો ચેકિંગ પોસ્ટ પર હતા. વાહનને રોકવાનો ઈશારો કર્યો પરંતુ ડ્રાઈવરે વાહન મહિલા ઈન્સ્પેક્ટરની ઉપર ચડાવી દીધી અને ભાગી ગયો હતો. ઈન્સ્પેક્ટરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. તે જ સમયે વાહનનો ચાલક વાહન લઈને ભાગવા લાગ્યો હતો. જેનો પેટ્રોલિંગ ટીમે પીછો કર્યો પરંતુ રિંગ રોડ બાજુથી તે તેજ ગતિએ ભાગવા લાગ્યો. આ દરમિયાન રીંગ રોડ પર પીકઅપ વાન પલટી ગઈ હતી.જેમાંથી ઘણા તસ્કરો કારમાંથી કૂદીને ભાગી ગયા હતા. જોકે, ડ્રાઈવર પોલીસની કસ્ટડીમાં છે, આ સિવાય અન્યની શોધખોળ ચાલુ છે.