રાજકોટના ગોંડલ રોડ પર બાલાજી કુરિયરમાં થયેલી 21 લાખની લૂંટનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. છરીની અણીએ લૂંટ ચલાવતી આ ત્રિપુટીની ધરપકડ સાથે જ 15 દિવસમાં થયેલી 10 લૂંટનો ભેદ પણ ઉકેલાયો છે.
રાજકોટનાં ગોંડલ રોડ પર પી.ડી. માલવીયા કોલેજ પાસે બાલાજી કુરીયમાં 5 મેના રોજ થયેલી લૂંટનો ભેદ અંતે ઉકેલાઈ ગયો છે. ત્રણ શખ્સો છરીની અણીએ લૂંટ ચલાવી ફરાર થયા હતા પણ અંતે પોલીસે લૂંટારુઓને દબોચી લીધા છે. કુરિયર કરવાના બહાને આ ત્રણેય દુકાનમાં ઘૂસ્યા હતા અને 21 લાખ 7 હજારની લૂંટને અંજામ આપ્યો હતો.
લૂંટ અંગેની જાણ થતાં જ ક્રાઈમબ્રાંચની ટીમ લૂંટારુઓને પકડવા કામે લાગી હતી. અંતે બાતમીના આધારે લૂંટારુઓને ખોખડદળ નદીના કાંઠેથી દબોચી લીધા છે. હાલ પોલીસે તમામ આરોપીઓ પાસેથી કુલ 17 લાખ 94 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. બપોરના અથવા સાંજના સમયે ચલાવતાં હતાં લૂંટ. કપડાની દુકાનો સૌથી પહેલાં નિશાને રહેતી હતી. રોડ પરની દુકાનોની રેકી કરતાં હતાં. દુકાનમાલિકને બાનમાં લઈ રોકડ, કપડાં લઈ નાસી જતાં હતા. લૂંટ માટે નંબર પ્લેટ વગરના વાહન રાખતાં હતા જેથી પોલીસ સરળતાંથી પકડી ના શકે.
ઉલ્લેખનીય છે કે પકડાયેલા આરોપી પૈકી હિતેષ ડવ ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ અને પ્રોહીબિશન પકડાય ચૂકેલ છે અને કરણ બાલાસરા આજીડેમ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ગુનામાં પકડાઈ ચૂકેલ છે. સાથે જ આરોપીઓની પૂછપરછમાં 15 દિવસમાં કરેલી 10 જેટલી લૂંટનો પણ ભેદ ઉકેલાયો છે.
હાલ પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ ત્રિપુટી મોજશોખ કરવા માટે લૂંટને અંજામ આપતી અને કપડાની દુકાનો સોફ્ટ ટાર્ગેટ કરેતી હતી. પણ બાલાજી કુરિયરમાં કરેલી લૂંટ દરમિયાન આટલી મોટી રકમ હાથમાં લાગશે તે અંદાજો નહતો. હાલ પોલીસે આ લૂંટારુઓએ લૂંટની અન્ય રકમ ક્યાં ખર્ચ કરી તે જાણવાની દિશામાં તપાસ તેજ કરી છે.