Tue. Sep 17th, 2024

રાજકોટ: કાગદડીમાં 2 કલાકમાં 12 ઇંચ વરસાદ, 150 પશુ તણાયા,ગામમાં માથાડૂબ પાણી ભરાયા

રવિવારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. પરંતુ રાજકોટના મોરબી રોડ પર આવેલા ખોબા જેવડા કાગદડી ગામમાં મેઘરાજાએ તાંડવ મચાવ્યું હતું. માત્ર 2 કલાકમાં જ 12 ઇંચ વરસાદ ખાબકતા ગામ બેટમાં ફેરવાય ગયું હતું. ગ્રામજનોના કહેવા મુજબ 100થી 150 પશુ તણાયા છે. જેમાંથી 25ના મૃતદેહ મળ્યા છે અને બાકીના પશુઓની હજુ સુધી ભાળ નથી. 100 વર્ષમાં અમે આવો વરસાદ ક્યારેય જોયો નથી. વરસાદે અમને મચ્છુ હોનારતની યાદ કરાવી હતી. ગામના નીચાણવાળા વિસ્તારોમાં માથાડૂબ પાણી ભરાયા હતા.

ગામની દયનીય હાલત.
ગામની દયનીય હાલત.

100 વર્ષમાં ક્યારેય ન જોઇ હોય તેવી તારાજી
ગ્રામજનોએ વધુમાં જણાવ્યું હતું કે, માત્ર દોઢથી બે કલાકના સમયમાં અમારા ગામમાં 12 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેના કારણે ગામ બેટમાં ફેરવાયું હતું. કોઇનું ખેતર ધોવાયું તો કોઇના પશુઓ તણાયા છે. કોઇના ઘરની ઘરવખરી તણાય તો કોઇના ઘરે પડેલું તૈયાર અનાજ પલળી ગયું છે. ભારે વરસાદને કારણે માલધારીઓના વંડામાં રહેલા પશુઓ તણાય ગયા છે. વીજપોલ ધરાશાયી થઇ ગયા છે. નદીકાંઠે આવેલા ખેતરોમાં તો એવી સ્થિતિ થઇ હતી કે જાણે ખેતર નહિ કોઇ નદીનો ખાલી પટ્ટ હોય. ગામના વડીલોનું કહેવું હતું કે, 100 વર્ષમાં ક્યારેય ન જોઇ હોય તેવી તારાજી ગામમાં સર્જાઇ છે. જો વધારે વરસાદ આવ્યો હોત તો સ્થિતિ વધુ ગંભીર બની જાત.

150 પશુ તણાયા, 25 પશુના મૃતદેહ મળ્યા.
150 પશુ તણાયા, 25 પશુના મૃતદેહ મળ્યા.

ખેતરમાં પાક ધોવાયો, ઘરમાં ઘરવખરી ધોવાઇ
ખેતરોમાં એટલું ધોવાણ થયું છે કે, વાવેતર કર્યુ છે કે નહિ તે ખબર ન પડે તે રીતે મેદાન થઇ ગયું છે. અનેક ઘરોની ઘરવખરી વરસાદમાં પલળી ગઇ છે. ખેડૂતે મહેનત કરીને વાવેલું લસણ, ઘઉં, ચણા, જીરૂ, રાય સહિતના તૈયાર પાક પલળી ગયા છે તો અનેક ઘરોમાં વાવેતરનું ખાતર અને પશુઓ માટેનો ચારો પલળી ગયો છે. ખેડૂતોનું કહેવું છે કે, આ વર્ષ પહેલા વરસાદમાં જ ફેઈલ થયું છે. હવે સીધું શિયાળું વાવેતર લઇ શકાશે. ત્યારે સરકારે આ અંગે સહાય કરવી જરૂરી છે.

25 જેટલા વીજપોલ ધરાશાયી થયા.
25 જેટલા વીજપોલ ધરાશાયી થયા.

કાગદડી ગામમાં 150 પશુ તણાયા, 25 વીજપોલ ધરાશાયી
કાગદડી ગામના સરપંચ દેવ કોરડીયાએ જણાવ્યું હતું કે, રવિવારે કાગદડી ગામમાં સાંજના 4થી 6 વાગ્યા સુધીમાં અંદાજે 10થી 12 ઇંચ વરસાદ ખાબક્યો હતો. આશરે 150 જેટલા પશુ લાપત્તા છે. અંદાજે 20થી 25 વીજપોલ પડી ગયા છે. ખેડૂતોના ખેતરોનું ધોવાણ થયું છે. આજ દિન સુધી ન જોયેલો વરસાદ કાલે જોવા મળ્યો હતો. આથી કાગદડી ગામના લોકોને ખૂબ જ હાલાકી ભોગવવી પડી રહી છે. PGVCL અને ખેતી વિભાગની ટીમ દોડી આવી છે અને નુકસાનીનો સર્વે હાથ ધર્યો છે. પશુ આરોગ્યની ટીમ પણ સર્વે કરી રહી છે. અંદાજે 100 હેક્ટર જેવી જમીન ધોવાય ગઈ છે. હજુ ફિક્સ અનુમાન લગાવવામાં આવી રહ્યું નથી.

ઘોડાપૂરનો ઓવાળ ચબૂતરાની છત પર આવી ગયો હતો.
ઘોડાપૂરનો ઓવાળ ચબૂતરાની છત પર આવી ગયો હતો.

ટ્રેક્ટરો તણાવાની તૈયારીમાં હતા: ખેડૂત
ખેડૂત રામજીભાઇ સંખારવાએ જણાવ્યું હતું કે, અમારા ગામમાં બહુ વરસાદ પડ્યો હતો અને નુકસાની પણ મોટી છે. આવો વરસાદ મારી ઉંમરમાં ક્યારેય જોયો નથી. જમીનનું બહુ જ ધોવાણ થયું છે. શેઢા-પાળા બધા વીખી નાખ્યા છે. નીચાણવાળા વિસ્તારમાં માથાડૂબ પાણી ભરાય ગયા હતા. ટ્રેક્ટરો તણાવાની તૈયારીમાં હતા પણ વરસાદ રહી જતા બચી ગયા છે. ઘરવખરી પલળીને બગડી ગઇ છે. અનાજ પણ પલળી જતા આખા વર્ષની ખાધા ખોરાકી હવે ફરીથી લેવી પડશે.

ખેતરોનું ધોવાણ થયું.
ખેતરોનું ધોવાણ થયું.

બારે મેઘ ખાંગા થયા હતાઃ ગ્રામજન
પ્રવીણભાઇ લીંબાસીયા નામના ગ્રામજને જણાવ્યું હતું કે, વરસાદની વાત કરીએ તો અમારે બારે મેઘ ખાંગા થયા હોય તેવો ગણાય. ગામની અંદર પાંચ ફૂટ સુધી પાણી ભરાય ગયા હતા. ખેતરો ધોવાય ગયા છે. ઘરવખરીની વાત કરીએ તો માપ વગરનું નુકસાન થયું છે. અંદાજિત ગણીએ તો 10થી 15 લાખની નુકસાની છે.

પશુઓના મૃતદેહ મળી રહ્યાં છે.
પશુઓના મૃતદેહ મળી રહ્યાં છે.

ગામમાં સર્વે હાથ ધરવામાં આવ્યો
ગામના સરપંચ અને તલાટી મંત્રી દ્વારા ગામમાં થયેલા નુકસાનનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે. જિલ્લા પંચાયતની ટીમ દ્વારા સર્વે હાથ ઘરવામાં આવ્યો છે. ગામના તલાટી મંત્રી સ્નેહલ મકવાણાના કહેવા પ્રમાણે મૃત્યુ પામેલા પશુઓ, ખેતીના પાકને થયેલા નુકસાન અને ઘર વખરીમાં થયેલા નુકસાન અંગે સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે અને તાત્કાલિક સહાય ચૂકવાય તે રીતે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

ગામના પ્રવીણભાઇ લીંબાસીયા (ડાબી બાજુ) અને રામજીભાઇ સંખારવા (જમણી બાજુ).
ગામના પ્રવીણભાઇ લીંબાસીયા (ડાબી બાજુ) અને રામજીભાઇ સંખારવા (જમણી બાજુ).

ગામમાંથી અનેક પશુ તણાયા છેઃ તલાટી મંત્રી
વધુમાં જણાવ્યું હતું કે, ગામમાં અનેક પશુઓ તણાય ગયા છે, જ્યારે સૌથી વધારે નુકસાન ઘરવખરીને થયું છે. બીજી તરફ સરપંચ દેવ કોરડીયાના કહેવા પ્રમાણે કાગદડી ગામની સ્થિતિ અંગે ડીડીઓ અને જિલ્લા પંચાયતના પ્રમુખને માહિતી અપાય રહી છે અને ખેતીવાડી વિભાગ, પશુપાલન વિભાગ સહિત તમામ લોકો દ્વારા ટૂંક સમયમાં સર્વે પૂર્ણ કરીને સહાયની ચૂકવણી કરવામાં આવશે.

ઠેર ઠેર વીજપોલ ધરાશાયી થયા.
ઠેર ઠેર વીજપોલ ધરાશાયી થયા.
ગામના સરપંચ દેવ કોરડીયા.
ગામના સરપંચ દેવ કોરડીયા.

Related Post

Verified by MonsterInsights