Wed. Sep 11th, 2024

રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલા ન્યુ ડે સ્પામા દારૂની મહેફિલમાં બોલાચાલી થઈ હતી, ત્યાર બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો ઈજાગ્રસ્ત યુવતીનો સિવિલમાં માથાકૂટ કરતો વીડિયો વાયરલ થયો

રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલા ન્યુ ડે સ્પામા દારૂની મહેફિલમાં બોલાચાલી થઈ હતી ત્યાર બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. તો બીજી તરફ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ યુવતીએ હોસ્પિટલ ખાતે પણ ધમાલ મચાવી હોવાનું સામે આવ્યું છે. જોકે, યુવતીનો સિવિલમાં માથાકૂટ કરતો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલા new day spaમાં શનિવારની સાંજે કેટલાક યુવક અને યુવતીઓ દારૂની મહેફિલ માણી રહ્યા હતા. જે બાદ મામલો બોલાચાલી સુધી પહોંચ્યો હતો અને ત્યારબાદ ઉગ્ર બોલાચાલી થતાં અંદરોઅંદર મારામારીની ઘટના ઘટી હોવાનું પણ સામે આવ્યું છે.

જાણવા મળતી વિગતો મુજબ કાચની બોટલ વડે એકબીજા પર હુમલો કરવામાં આવતા ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે પહોંચી હતી ત્યારબાદ જરૂરી કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી.

ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ખુમાનસિંહ વાળાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, યુનિવર્સિટી રોડ પર આવેલા ન્યૂ ડે સ્પામાં દારૂની મહેફિલમાં બોલાચાલી થતાં અંદરોઅંદર મારામારીની ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે. ત્યારે પ્રાથમિક તપાસમાં ત્રણ યુવતી સહિત કુલ ચાર લોકો નશાની હાલતમાં મળી આવતા તેમની વિરૂદ્ધ પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

 

સમગ્ર ઘટનામાં ઇમરાન સહિતના શખ્શો માર મારી નાસી ગયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે ઇમરાન કોણ છે અને ખરેખર તેણે માથાકૂટ કરી હતી કે કેમ તે અંગે હાલ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ત્યારે કેટલા આરોપીઓ વિરુદ્ધ કઈ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવે છે તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે. તો સાથે જ આરોપીઓ પોલીસ ની ગિરફત માં કેટલા સમયમાં આવી જાય છે અને તેમને કાયદાની કડવાણી ચખાડવામાં આવે છે કે કેમ તે જોવું રહ્યું.

Related Post

Verified by MonsterInsights