રાજસ્થાનના ગામડાંઓની હાલત પણ દેશના અન્ય ગામડાંઓ જેવી જ છે. સ્વાસ્થ્ય વ્યવ્સ્થા સંપૂર્ણપણે ફેલ જોવા મળી રહી છે. તેમ છતાં લોકો આ વાતને અવગણતા જોવા મળે છે. ઝુંઝનું જિલ્લાના સ્યાલૂ કલા ગામમાં એક લગ્નમાં સામેલ થયેલા 150 લોકોના કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યા જેમાંથી 95 લોકો પોઝિટિવ નીકળ્યા હતા. એટલું જ નહીં લગ્ન દરમિયાન દુલ્હનના પિતાનું પણ મોત થઈ ગયું છે. આ ઘટના બાદ આસપાસના ગામોમાં પણ ડર જોવા મળી રહ્યો છે.
પહેલાં કોરોનાને માનતા ન હતા, અને હવે ડરનો માહોલ
સ્યાલૂ કલા ગામમાં રહેતા સુરેન્દ્ર શેખાવતનું કહેવું છે કે જ્યારે તે લોકોની કોરોનાની તપાસ થઈ હતી ત્યારે ગામના 95 લોકો સંક્રમિત સામે આવ્યા હતા. 25 એપ્રિલે ત્રણ લગ્ન હતા અને આ દરમિયાન દુલ્હનના પિતાનું મોત પણ થઈ ગયું. પહેલાં ગામના લોકો કોરોના જેવું કંઈ છે જ નહીં તેવું માનતા હતા અને ખુલ્લેઆમ ફરતા હતા. જ્યારે દરેક લોકોની તપાસ કરવામાં આવી તો 95 લોકો સંક્રમિત મળી આવ્યા. ત્યારે હવે ગામમાં ડરનો માહોલ છે અને લોકો પોતપોતાના ઘરમાં જ બેઠા છે.
લગ્નમાં માત્ર 11 લોકોને જ સામેલ થવાની છૂટ
ગામમાં હાલ સંપૂર્ણ સન્નાટો જોવા મળી રહ્યો છે, રસ્તાઓ ખાલીખમ છે. બાળકો ઘરની અંદર બંધ છે અને લોકો જરૂરી કામ હોય તો જ બહાર નીકળે છે. રાજસ્થાન સરકારે લગ્ન સમારંભમાં માત્ર 11 લોકોને જ સામેલ થવાની છૂટ આપી છે. નિયમ તોડનારને 1 લાખ રૂપિયાના દંડની પણ જોગવાઈ છે. તેમ છતાં લોકો આ નિયમને સંપૂર્ણપણે અવગણી રહ્યાં છે. જેનું પરિણામ અન્ય લોકોને ભોગવવું પડે છે.
ગ્રામવાસીઓનું કહેવું છે કે લગ્નમાં ભીડના કારણે અહીં કોરોના વકર્યો છે. લોકોને લાગતું હતું કે કોરોના માત્ર શહેર સુધી સીમિત રહેશે તેથી બધાં જ નિશ્ચિત હતા. પરંતુ હવે ગામડાંમાં પણ કોરોનાને કારણે થઈ રહેલા મોતથી લોકોની ચિંતા વધી છે. હવે લોકો આ મહામારીની ગંભીરતાને સમજી રહ્યાં છે અને પોતાનો બચાવ કરવાના પ્રયાસો કરી રહ્યાં છે.
કોરોનાની ત્રીજી લહેર વધુ ખતરનાક હશે
કોરોનાની ત્રીજી લહેર બાળકો માટે વધુ ખતરનાક જણાવવામાં આવી રહી છે, એવામાં ગામડાંઓમાં ડર વધી ગયો છે. પરિવારના લોકો પોતાના બાળકોને બહાર નથી નીકળવા દેતા. રાજસ્થોાનના મોટા ભાગના ગામડાંઓની સ્થિતિ ખરાબ છે. પ્રશાસન પોતાની તરફથી પૂરો પ્રયાસ કરે છે કે કોરોનાની ચેનને તોડવામાં આવે. સાથે જ ગામડાંઓમાં લોકોને આ ખતરનાક બીમારીમાં કઈ રીતે પોતાનો બચાવ કરવામાં આવે, કોરોના સામે કઈ રીતે સચેત રહેવું તે અંગેની માહિતી આપી જાગરૂત કરવામાં આવે છે.